“નગરપાલિકાના ચીફ ઓફિસરે ગુમાસ્તા ધારા હેઠળ છેલ્લા ચાર રવિવારથી બજારો બંધ રખાયા હતા. જે એકાએક ખૂલી ગયા”
હિન્દ ન્યૂઝ, ડભોઈ
કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે સરકારી ગાઈડ લાઇન અને ગુમાસ્તાધારાના નિયમોને આગળ ધરીને ડભોઇના બજારો ફરજિયાતપણે રવિવારે બંધ રાખવાના આદેશો કર્યા હતા અને જેતે દિવસે ડભોઇના ટાવર ચોકમાં ચીફ ઓફિસરે સ્થાનિક પત્રકારોને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુમાસ્તાધારા નો નિયમ ડભોઇ નગરમાં આગામી દિવસોમાં પણ અમલી રહેશે જ અને દુકાનદારોએ ફરજિયાત પણે અઠવાડિક રજા રાખવાની રહેશે. જેના કારણે છેલ્લા ચાર રવિવાર થી ડભોઇના બજારો સજ્જડ બંધ રહ્યા હતા.ત્યાર બાદ એકાએક ચીફ ઓફિસરે આ નિર્ણય ફેરવીને રવિવારે ડભોઇના બજારો ચાલુ રાખવાના આદેશો કર્યા હોવાનો મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.જેથી જવાબદાર અધિકારી પાલિકાના ગુમાસ્તાધારાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હોવાની ચર્ચા સાથે ચીફ ઓફિસર સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે. જો હકીકતમાં ચીફ ઓફિસરે આવા કોઈ હુકમ કર્યા છે તો તેમને કોના દબાણમાં આવીને પોતાના નિર્ણયમાં ફેરફાર કરવો પડ્યો હશે.તેવી ચર્ચાઓ ડભોઇના નગરજનોમાં થઈ રહી છે.
ગુમાસ્તાધારાના નિયમો પ્રમાણે શહેરમાં ગુમાસ્તા ધારા હેઠળ લાઇસન્સ ધરાવતા દુકાન માલિકોએ ચોક્કસ દિવસે અઠવાડિયે એકવાર દુકાન બંધ રાખવી ફરજીયાત છે અને આજ કાયદાનો ઉપયોગ કરીને ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે કોરોનાના વધતા જતા કેસોને કંટ્રોલ કરવા માટે છેલ્લા ચાર રવિવારથી ડભોઇના બજારો સદંતર બંધ રાખવા તથા કોઈ દુકાન ખુલ્લી હોય તો તેને સીલ મારવા તથા દંડનીય વસુલાત કરવાની જાહેરાત કરી હતી અને નગરમાં આવી સૂચનાઓ આપતી રીક્ષા ફેરવીને જાહેરાતો કરાઇ હતી. ચીફ ઓફિસરની આ જાહેરાતના પગલે છેલ્લા ૪ રવિવારથી ડભોઇના બજારો સજ્જડ બંધ રહ્યા હતા અને નગર જનોની બજારમાં ચહલ પહેલમાં ઘટાડો થયો હતો અને કોવિડના ફેલાવાને અટકાવવા માં પણ મદદ મળી હતી. હવે એકાએક ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોતાનો અગાઉનો નિર્ણય બદલ્યો હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર થતાં ડભોઇમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં છે તેવા સમયે રવિવારે બજારો દુકાનો અને લારી, ગલ્લાવાળાઓને, ધંધા-રોજગારની છૂટ આપવાની જાહેરાત કરાતા આ બાબત ચર્ચાનો વિષય બની છે અને એવું તો શું થયું કે ચીફ ઓફિસરને પોતાનો અગાઉનો નિર્ણય બદલવો પડ્યો હોય ? કોના દબાણ આગળ ચીફ ઓફિસર ઝુકી ગયા ? ગુમાસ્તાધારાના નિયમો મુજબ લાઇસન્સ ધરાવતા દુકાનદારોને રવિવારે ધંધો રોજગાર બંધ રાખવાનો આદેશ કરે છે તો પછી ગુમાસ્તાધારાની ‘ઐસી કી તૈસી’ કરીને ચીફ ઓફિસરે બજારો અને દુકાનો ખુલ્લા રાખવાના આદેશ કેમ કર્યા હશે ? એવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહયા છે. શું ગુમાસ્તાધારાના નિયમો માત્ર ૪ રવિવાર માટે જ હતા ? શું હવે ગુમાસ્તા ધારો નાબૂદ થઈ ગયો હશે ? જો ગુમાસ્તા ધારો લાગુ હોય તો રવિવારે બજારો ખુલ્લાં રાખવાના આદેશો આપવાની સત્તા ચીફ ઓફિસર પાસે છે ખરી ? કોના દબાણ આગળ ચીફ ઓફિસર ગુમાસ્તાધારાના નિયમોની ખુલ્લે આમ બાદબાકી કરી રહ્યા છે તેવી ચર્ચાઓએ ચકચાર જગાડી છે. આજરોજ રવિવારના દિવસે બજારો ખુલ્લા રહેતા ભજીયા, સેવ ઉસળ, સમોસા, ખમણ , ચાઈનીઝ વગેરેની ખાનીપીણીની પ્રખ્યાત લારીઓ અને દુકાનો ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સીંગનો ખુલ્લેઆમ દાટવાળી દિધો હતો. અને જાણે કોરોનાને નિમંત્રણ અપાતું હોય તેવો માહોલ સર્જાયો હતો. કોરોનાને કાબુમાં લેવાની સરકારી ગાઈડ લાઇનોનું ચૂસ્તપણે પાલન કરાવવાની ગુલબાંગો ફૂંકતા જવાબદાર અધિકારીઓ આજરોજ ડભોઇના બજારોમાંથી અદ્રશ્ય થઈ ગયા હતા.
ડભોઇ નગરપાલિકા વિસ્તારના લોકો ડ્રેનેજ ,પાણી સહિતની સુવિધાઓ માટે પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્વચ્છતા તથા રોડ રસ્તા ની સુવિધાઓ માટે નગરપાલીકાનું તંત્ર સાવ ખાડે ગયું છે અને પાયાની આ સુવિધાઓ સુચારુરૂપથી ન મળતી હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને બીજી બાજુ કોરોના એ ડભોઇ માં ખુબજ મોટા પ્રમાણ માં પગ પ્રસાર્યા છે ત્યારે જ ગુમાસ્તાધારાને કોરાણે મૂકી મનસ્વી રીતે વર્તતા ચીફ ઓફિસર લોકોમાં ભારે ટીકા સાથે ચર્ચામાં છે અને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહયા છે અને રવિવારે બજારો બંધ રાખવાનું જાહેરનામું તેમજ ગુમાસ્તાધારો અમલ માં છે ત્યારે ચીફ ઓફિસર કોના દબાણ માં આવી ને નિર્ણયો લઈ રહયા છે એવો પ્રશ્ન ખુલ્લેઆમ લોકો પૂછી રહયા છે. આ બાબતે વધુ સ્પષ્ટતા અથૅ ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર નો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો. જેથી સત્તાવાર રીતે આ બાબતે વધુ સ્પષ્ટતા થઈ શકી ન હતી. પરંતુ રવિવારના રોજ ડભોઇના બજારો ખુલ્લા રહ્યા હતા.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ