હિન્દ ન્યૂઝ, નડિયાદ
સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે. દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે એવામાં નડીયાદની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ કોરોનાના દર્દીઓમાં સકારાત્મકતા સાથે નવા જોશ, આત્મવિશ્વાસ અને ચેતનાનો સંચાર કરી રહ્યા છે. જેને પરિણામે દર્દીઓ સાજા નરવા થઈ રહ્યા છે.
નડિયાદ સિવિલમાં સારવાર લઇ રહેલા થર્મલના રામપ્રસાદ કહે છે કે મને દાખલ થયાના ચાર દિવસમાં અસરકારક સારવારના પરિણામે સારૂ થઈ ગયું. અહીંનો સ્ટાફ અમારી સાથે પરિવારજનો જેવો સધિયારો આપે છે. તેઓ જણાવે છે કે કોરોનાનો ડરથી નહીં હિંમતથી સામનો કરીશું તો જલ્દી સ્વસ્થ થઈશું. આ હોસ્પિટલમાં દાખલ થવાની સાથે સારવાર શરૂ થતાં હું સ્વસ્થ થઈ રહ્યો છું. અહી સારવાર ખૂબ સારી મળવા સાથે ભોજન પણ સારૂ મળી રહ્યું છે.
દર્દીઓ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવે છે કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને આર્થિક બોજ સહન કરવો પડે છે અહી દર્દીઓની મફત સારવાર થઈ રહી છે. દર્દીઓએ પણ તબીબો અને આરોગ્ય સ્ટાફને સહકાર આપવો જોઈએ. અહી સારવાર લઇ રહેલા દર્દીઓ પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ પણ અમને સહેજ પણ એવું નથી લાગતું કે અમે પરિવારથી દૂર છીએ. સિવિલના તબીબો વિડિયો કોલના માધ્યમથી પરિવારજનો સાથે વાત કરાવે છે. સરકારી હોસ્પિટલમાં સારવાર સાથે આવી સુવિધા હશે એની અમને કલ્પના પણ નહોતી.
કોરોનાની સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓ જણાવે છે કે અહી દવા, ચા, નાસ્તો, ભોજન સમયસર મળે છે. સિવિલ હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ રાત દિવસ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેઓનો આ પરિશ્રમ ફળીભૂત થયો છે અને આત્મવિશ્વાસ દર્દીઓને સાજા થવામાં મદદરૂપ બની રહ્યો છે. સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ ખાસ ફરજ પરના અધિકારી ડો.ત્રુપ્તિ બેનના માર્ગદર્શન હેઠળ સતત કોરોના સારવારમાં વ્યસ્ત છે. સિવિલમાં કોરોના દર્દીની સીસીટીવી મારફતે ૨૪ કલાક સિવીલ સર્જન દ્રારા તેની સારવાર તેમજ તબીયતનુ સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. જેના હકારાત્મક પરિણામો મળી રહ્યાં છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ