હિન્દ ન્યૂઝ, રાજકોટ
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો હાલ ૪૦,૦૦૦ થી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહેલ છે.
તા.૦૮/૦૩/૨૦૨૧ સોમવારના રોજ “ઇન્ટરનેશનલ વુમન્સ ડે (આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ)” નિમિત્તે આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ઇન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. “ઇન્ટરનેશનલ વુમન્સ ડે” તા.૦૮/૦૩/૨૦૨૧ સોમવારના રોજ હોય જેથી એ દિવસ દરમ્યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા-સ્ત્રી મુસાફરો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જ્યારે ભાઇઓ/પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. જે બાબતે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા તરફથી માન.કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે તેમજ બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.