૭૫૦ વિધાર્થીઓને પદવી એનાયત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
તા.૦૫, વેરાવળ ખાતે શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ ઓનલાઈન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મેડલો મેળવનારા અને પદવી પ્રાપ્ત કરનારાં ૭૫૦ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા.
રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીએ ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર કરવાના શ્રેષ્ઠ કાર્ય બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યાં. વેદ, જયોતિષ, વ્યાકરણ, દર્શન, સાહિત્ય આદિ વિષયોમાં ઉત્કૃષ્ઠ સંશોધન, પ્રકાશન અને અધ્યાપન બદલ યુનિવર્સિટીને બિરદાવી હતી. ૭૫૦ જેટલાં સ્નાતકોને અને પદક ધારકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમારોહમાં મુખ્ય અતિથિ રમેશભાઈ ઓઝા ઓનલાઈન માધ્યમથી ઉપસ્થિત રહ્યાં. બહુ જન્મ પછી પ્રાપ્ત થયેલ આ પવિત્ર મનુષ્ય જીવનને સંપૂર્ણપણે સંસ્કૃતમય બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ તેરમાં પદવીદાન સમારોહ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપ્યો હતો.
સારસ્વત અતિથિ એન.ગોપાલાસ્વામીજી, પૂર્વ ચીફ ઈલેક્શન કમિશનર, ભારત સરકારે પ્રસંગોચિત સારસ્વત ભાષણ થકી સૌને આશ્વાસિત કર્યાં હતા. વેદ વાક્યો, વિવેક અને સેવાના માધ્યમથી સમાજસેવા કરવા સૌને હાકલ કરી અને દેવભાષા સંસ્કૃતને મનમાં ધારણ કરી માતૃભૂમિ અને દેવભાષા સંસ્કૃતનું ઋણ અદા કરવાની સૌ સ્નાતક-અનુસ્નાતકોને અનુરોધ કર્યો હતો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ ડૅા.દશરથ જાદવે સૌનો આભાર વ્યકત કર્યો હતો.
સમગ્ર પદવીદાન સમારોહમાં ૧૯ ગોલ્ડમેડલ (સુવર્ણચંદ્રકો), ૦૪ સિલ્વરમેડલ (રજતચંદ્રકો) અને ૦૯ રોકડ પુરસ્કાર; કુલ-૩૨ મેડલો (ચંદ્રકો)/પુરસ્કારો યુનિવર્સિટી/વિવિધ દાતાઓ/સંસ્થાઓના સહયોગથી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં કુલ – ૧૬ વિદ્યાર્થીઓને મેડલો અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.