બોડેલી તાલુકાના સૂર્યઘોડા ખાતે કોરોના વાયરસ રસીકરણ શુભારંભ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર

સરકાર દ્વારા રાજયના તમામ નાગરિકોને આગામી સમયમાં વિનામૂલ્યે કોવિડ-૧૯ કોરોના વાયરસની રસી આપવામાં આવશે એમ, રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા સૂર્યઘોડા ગામે જિલ્લા કક્ષાના રસીકરણ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મંત્રી પરમારે કોરોના વાયરસની મહામારીને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી તકેદારીઓ અંગે વિગતે જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે કોરોના વાયરસના નિદાન અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી. પુરતા પ્રમાણમાં સુવિધાઓથી સજજ હોસ્પિટલોની વ્યવસ્થા ઉપલબ્ધ થતા કોરોના વાયરસની સફળ સારવાર થકી લાખો દર્દીઓની જીવ બચાવવામાં સફળતા મળી છે, એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ કોરોના વાયરસ સામેના જંગમાં દેશ જીતે એ માટે ચિંતિંત છે.

તેમણે લોકડાઉન દરમિયાન ગરીબોને તકલીફ ન પડે એ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપી તેમણે ગરીબોને આપવામાં આવેલી વિવિધ સહાય અંગે જાણકારી આપી હતી. તેમણે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર તરીકે કામગીરી કરતા આરોગ્ય કર્મીઓ સહિતના ફ્રન્ટલાઇન વોરિયર્સને તેમણે કરેલી કામગીરી તથા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી.

વધુમાં રસી લીધા પછી પણ માસ્ક અને ‘દો ગજ કી દુરી’ ના સૂત્રનો અમલ જારી રાખવા માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત રસીનો પ્રથમ ડોઝ લીધા પછી ચોકકસ સમયાંતરે બીજો ડોઝ લેવો પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંચ પર બનાવવામાં આવેલા વેકસિનેશન ચેમ્બરમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રસી લેનાર કોરોના વોરિયર્સને કોવિડ બેઝ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોના રસીનો ડોઝ લેનાર છોટાઉદેપુરના પ્રથમ ફ્રન્ટ લાઇન વોરિયર્સ ડૉ. મેહુલભાઇ રાઠવાએ મંચ પરથી તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

કાર્યકર્મનું સ્વાગત પ્રવચન કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરીએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ ડૉ. ભારતીબેન ગુપ્તાએ કર્યો હતો.

કાર્યક્રમમાં કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઇ વસાવા, અગ્રણી રાજેશભાઇ પટેલ, જગદીશભાઇ બારિયા, આરોગ્ય વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને કોરોના વોરિયર્સ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment