હિન્દ ન્યુઝ, ભુજ
ભુજ ખાતે તા. ૨૬ મે, ૨૦૨૫ના રોજ યોજાનાર વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવા આજે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ સમાજો, સામાજિક, ધાર્મિક તથા વ્યવસાયિક સંસ્થાઓના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનશ્રીના રોડ-શો અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા કચ્છના નાગરિકોને રચનાત્મક અને ગુણાત્મક સહયોગ આપવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર”ની સફળતા બાદ સરહદી જિલ્લા કચ્છમાં વડાપ્રધાનનું આગમન એક ગૌરવની ક્ષણ છે. ત્યારે આ કાર્યક્રમ દેશભક્તિનો સંદેશ આપવા સાથે કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે.રોડ-શોમાં એક કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાશે, અને વિવિધ સમાજો પોતાના પરંપરાગત પોશાકમાં દેશપ્રેમની ઝાંખી સાથે સાંસ્કૃતિક ઝલક પ્રદર્શિત કરશે. કચ્છ આ કાર્યક્રમ દ્વારા એકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે.
આ તકે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે હાલ વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં કચ્છના નાગરિકોનો સહયોગ આ કાર્યક્રમને યાદગાર બનાવશે.આગેવાનોએ જ્યાં જરૂરી હોય ત્યાં સ્વયંભૂ જોડાવવું જોઈએ, જેથી કચ્છની એકતા અને ઉત્સાહ વધુ ઝળકશે અને સોનામાં સુગંધ ભળશે.
ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઉમેર્યું કે વડાપ્રધાન કચ્છને પોતાના પરિવારનો હિસ્સો માને છે અને તેઓએ અનેક વિકાસકાર્યોની કચ્છને ભેટ આપી છે. આ કાર્યક્રમમાં પણ કરોડોના વિકાસકામોની કચ્છ જિલ્લાને ભેટ મળવા જઈ રહી છે ત્યારે આપણા સૌ સમક્ષ કચ્છની વિવિધતા અને એકતાને વિશ્વ સમક્ષ રજૂ કરવાની આ એક અનોખી તક છે. દરેક કચ્છીએ આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવું જોઈએ.
કલેકટર આનંદ પટેલે આગેવાનો સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી અને રોડ-શોમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને આકર્ષણનું કેન્દ્ર બનાવવા સહયોગની અપીલ કરી હતી. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતામાં સેના, સરકાર અને નાગરિકોની એકતાને ઉજાગર કરવાનો પણ ઉલ્લેખ કર્યો. આ બેઠકમાં આગેવાન દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે“૧૦,૦૦૦ બહેનો સિંદૂર અને એકસમાન સાડીમાં આ કાર્યક્રમના માધ્યમથી દેશભક્તિનો સંદેશ આપશે, જ્યારે નિવૃત્ત સૈનિકો પણ સેનાના શૌર્યને સલામી આપવા હાજર રહેશે. દરેક કચ્છીએ આ કાર્યક્રમમાં જોડાવું જોઈએ.
બેઠકમાં હાજર વિવિધ સમાજો અને સંસ્થાઓના આગેવાનોએ મૂલ્યવાન સૂચનો આપ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના એમ.ડી. જયપ્રકાશ શિવહરે, પીજીવીસીએલના એમ.ડી. કેતન જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, સર્વ પ્રાંત અધિકારીઓ તથા કચ્છના વિવિધ સમાજો અને સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
