મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં જુદા જુદા ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા

મોરબી,

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં જુદા જુદા ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જેમાં આઈ સેવન, આઈ ફોર, આઈ વન અને જે સેવન વિંગની અંદર કુલ મળીને પાંચ જેટલા ફલેટને અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યા છે અને લોકોના ઘરના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને છ થી સાત લાખ રૂપિયાના મુદ્દામાલની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવેલ છે અને સીરામિક સીટીની અંદર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો પ્રવેશ કરતા અને ચોરીની ઘટનાને અંજામ આપીને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પાંચ જેટલા બુકાનીધારી શખ્સો ફલેટમાં ચોરી કરવા માટે આવ્યા હતા અને તેઓના હાથમાં લાકડાના ધોકા અને કટર જેવી વસ્તુઓ પણ જોવા મળી રહી છે અને ફલેટમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હોવાની તસ્કરોને જાણ થતાં એક વીડિયોની અંદર તે કેમેરાને તોડતા પણ નજરે પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ૧૦ ની રાત ના સમય દરમિયાન ચોરીની આ ઘટના સિરામિક સીટીની અંદર બની હતી. જેની ૧૧ તારીખે સવારે સ્થાનિક લોકો દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે આવ્યો હતો અને આ ઘટનાની માહિતી મેળવી હતી. જોકે આ ચોરીના બનાવની આજ દિવસ સુધી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરીયાદ નોંધાયેલ નથી અને જે તસ્કરો ચોરી કરી ગયેલ છે તેનો પણ કોઇ પત્તો લાગ્યો ન હોવાનું હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે. જેથી કરીને સ્થાનિક લોકો આગામી સમયમાં એસપી સુધી આ મુદ્દે રજૂઆત કરવા માટે જાય તેવી શક્યતા છે અને પોલીસને ચોરીની ઘટનાની જે તે દિવસે કરી હતી અને પોલીસે માહિતી મેળવી હતી તેમ છતાં પણ હજુ સુધી છ થી સાત લાખના મુદ્દામાલની ચોરીના બનાવની ફરિયાદ શા માટે નથી નોંધવામાં આવી તે સૌથી મોટો સવાલ છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

 

Related posts

Leave a Comment