હિન્દ ન્યુઝ, વડોદરા
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ રોજગાર અને તાલીમ નિયામક કચેરી હસ્તકની મદદનીશ રોજગાર નિયામક કચેરી, વડોદરા અને સરકારી આઈટીઆઈ કમલાપુરા, વાઘોડિયાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ ઓક્ટોબર ને બુધવારના રોજ સરકારી આઈટીઆઈ, કમલાપુરા ખાતે ભવ્ય રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ૭ અગ્રણી સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ આપી હતી. સંસ્થાઓ દ્વારા ઓપરેટર, જુનિયર એન્જિનિયર, મેઇન્ટેનન્સ ઓપરેટર અને ટ્રેઇની જેવી કુલ ૨૦૦ થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ મેળામાં નોંધાયેલા અને ઉપસ્થિત રહેલા કુલ ૧૩૨ ઉમેદવારોમાંથી ૩૭ ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૯ ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે તેમજ અન્ય ૯ ઉમેદવારોને ફ્રી ટ્રેઇની તરીકે વિશેષ તક આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન મદદનીશ રોજગાર નિયામકશ્રી અલ્પેશ ચૌહાણ અને આઈટીઆઈના પ્રિન્સીપાલશ્રી આર. પી. શાહ દ્વારા ઉમેદવારોને રોજગારી તથા સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઓવરસીઝ કાઉન્સિલર દ્વારા યુવાનોને વિદેશ રોજગાર અને ઉચ્ચ અભ્યાસ માટે સુરક્ષિત તેમજ કાયદેસરના સ્થાનાંતરણ (સેફ લીગલ માઈગ્રેશન) અંગે એક માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો હતો.
ઉપરાંત, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, પીએમ ઇન્ટર્નશિપ યોજના, લશ્કરી ભરતી પૂર્વેની ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમ યોજના, ફ્રી વોકેશનલ તાલીમ યોજના તેમજ સ્વરોજગાર અને સ્ટાર્ટ-અપ લોન સહાય યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરતી મેળાના સ્થળે જ ગુજરાત સરકારના ‘અનુબંધમ’ ઓનલાઈન જોબ પોર્ટલ અને ભારત સરકારના ‘એનસીએસ’ પોર્ટલ પર ઉમેદવારોની નામ નોંધણી માટેનો વિશેષ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં યુવાનોએ લાભ લીધો હતો.
