હિન્દ ન્યુઝ, સુરત
‘પોષણ માસ ૨૦૨૬’ ની ઉજવણીના ભાગરૂપે સામુદાયિક સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણને ધ્યાને લઈને ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે ICDS ચોર્યાસી અને AM/NS ઇન્ડિયા (હજીરા) ના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કીટ વિતરણ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ૧૩૦ જેટલી સગર્ભા તથા ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. વળી, સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહિત કરવા અને ઉત્સવની જેમ ઉજવવાના આશયથી ૦ થી ૧ વર્ષની નવજાત બાળકીઓને ‘વધામણા કીટ’ આપી આવકારવામાં આવી હતી.
મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આઈસીડીએસ વિભાગ અને કોર્પોરેટ સેક્ટરના સંયુક્ત પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં પોષણનું સ્તર સુધારવા, કિશોરીઓના શિક્ષણને વેગ આપવા અને ‘બેટી બચાવો’ના સંદેશને સાર્થક કરવાનો છે.
આ અવસરે ઉપસ્થિત નિષ્ણાત તબીબો, સ્ત્રીરોગ નિષ્ણાત અને આહાર નિષ્ણાત દ્વારા સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની કાળજી, જરૂરી પોષક તત્વો, માનસિક સ્વાસ્થ્ય તેમજ નવજાત શિશુની સંભાળ અંગે વિસ્તૃત અને વૈજ્ઞાનિક માહિતી તથા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે મોરાના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, હજીરાના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી નર્મદાબેન પટેલ, ચોર્યાસી તાલુકાના CDPO શ્રીમતી દીક્ષિતાબેન ડોડીયા તેમજ AM/NS ઇન્ડિયાના CSR લીડ શ્રી કિરણસિંહ સિંધા ઉપસ્થિત રહ્યા હતા.
