હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ચેપી રોગોના નિયંત્રણ અને નિવારણ માટે જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવત તથા જિલ્લા ટીબી-એચ.આઈ.વી. અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદની સૂચના અનુસાર ગરબાડા તાલુકાની પી.એમ. શ્રી મોડલ સ્કૂલ, ગરબાડા ખાતે “ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૬” અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીમાં પી.એમ. મોડલ સ્કૂલના આશરે ૩87 જેટલા વિદ્યાર્થીઓ તથા એન.એ.સી.પી.ના કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની આરોગ્ય જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો. રેલી દરમિયાન એચ.આઈ.વી., ટીબી, સિફિલિસ, એસ.ટી.આઈ. તથા લેપ્રસી અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ રોગોના સંક્રમણથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અને સમયસર આરોગ્ય સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કેમ્પેઈન અંતર્ગત ખાસ કરીને યુવાનોમાં એચ.આઈ.વી. સહિતના ચેપી રોગો અંગે યોગ્ય માહિતી, જાગૃતિ તથા રોગપ્રતિરોધક અભિગમ કેળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સંભવિત જોખમ ધરાવતા વ્યક્તિઓને સમયસર તપાસ કરાવવા તેમજ જરૂરી જણાય ત્યારે યોગ્ય સારવાર મેળવી રોગને નિયંત્રિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ક્યુ.આર. કોડ સ્કેન કરવાની વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને માહિતી આપવામાં આવી હતી. ક્યુ.આર. કોડના માધ્યમથી વ્યક્તિગત જોખમ મૂલ્યાંકન કરી પોતાની સ્થિતિ અંગે પ્રાથમિક જાણકારી મેળવી શકાય તેમજ જરૂરિયાત મુજબ સંબંધિત આરોગ્ય સેવાઓનો સમયસર લાભ લઈ શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ડી.ટી.એચ.ઓ. કચેરી, દિશા-ડાપકુ તથા એન.એ.સી.પી.ના કર્મચારીશ્રીઓ દ્વારા સંકલિત રીતે કામગીરી હાથ ધરી વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત લોકોને એચ.આઈ.વી., ટીબી, સિફિલિસ, એસ.ટી.આઈ. અને લેપ્રસી અંગે જરૂરી આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
યુવાનોમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવા, રોગોના વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા તથા સમયસર તપાસ અને સારવારની સેવાઓ સુધી પહોંચ સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલી આ જનજાગૃતિ રેલી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
