આઈ.સી.ડી.એસ. આહવા ઘટક દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ

    મહિલા અને બાળ વિકાસ વિભાગ, ડાંગ સંચાલિત આઈ.સી.ડી.એસ. આહવા ઘટક હેઠળના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬’ની ઉજવણીના ભાગરૂપે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય સેવિકા તથા આંગણવાડી કાર્યકરો દ્વારા રંગોળીના માધ્યમથી આહારમાં પ્રોટીનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. લાભાર્થીઓને કઠોળ, અનાજ, શાકભાજી તેમજ માંસાહારી ખોરાક જેવા વિવિધ સ્ત્રોતોમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન કેવી રીતે મેળવી શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે ‘ટેક હોમ રાશન’ (THR)માંથી બનતી પૌષ્ટિક વાનગીઓ અને તેના નિયમિત ઉપયોગથી થતા આરોગ્યપ્રદ લાભો વિશે જાગૃતિ કેળવવામાં આવી હતી.

‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ થીમ આધારિત પોષણ માસ અંતર્ગત મુખ્ય પાંચ વિષયો પર લાભાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર આહારનું મહત્વ, આંગણવાડી કેન્દ્રો પર બાળકોને નિયમિત પોષણયુક્ત ગરમ ભોજન આપવું, બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી સંભાળ, પોષણ અભિયાનને લોકઆંદોલન બનાવી સમુદાયની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી અને સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તથા પોષણ સુધારણા માટે મળતી સીધી આર્થિક સહાય વિશે માહિતી આપવામાં આવી હતી.

આ સ્પર્ધા તથા જાગૃતિ કાર્યક્રમમાં ગામની સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment