સખી વન સ્ટોપ સેન્ટર, આહવાના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ 

    આહવા (ડાંગ) ખાતે મહિલાઓની સુરક્ષા, સહાય અને સશક્તિકરણ માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ડાંગ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા

શ્રીમતી કમળાબેન હીરાભાઈ રાઉતના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનીષાબેન મુલતાનીના દિશાદર્શન હેઠળ યોજાયો હતો. 

કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષા શ્રીમતી ચંદ્રકલાબેન ગાવિત, કારોબારી સમિતિના અધ્યક્ષા શ્રીમતી યોગિતાબેન, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી સુંદરબેન ચૌધરી, મહિલા પોલીસ સ્ટેશન, આહવાના PSI સુ શેફાલી ટંડેલ, જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલભાઈ ઠાકરે, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, કોર્ટના સભ્યઓ તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના પુષ્પગુચ્છથી સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો.

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓને ૨૪x૭ કલાક તાત્કાલિક સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, મનોસામાજિક પરામર્શ, કાનૂની મદદ તેમજ જરૂરિયાત મુજબ અસ્થાયી આશ્રય (શેલ્ટર હોમ) સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મહિલાઓની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહિલા કેન્દ્રિત અભિગમ સાથે મહિલાઓની ગુપ્તતા, અધિકારો, પસંદગીઓ અને ગરિમાનું જતન કરવામાં આવે છે તથા ભેદભાવરહિત વાતાવરણમાં સહાય પૂરી પાડવામાં આવે છે.

સખી વન સ્ટોપ સેન્ટર, આહવા દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીમાં કુલ ૧૦૫૭ મહિલાઓનું જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ૩૨૬ મહિલાઓને અસ્થાયી આશ્રય, ૨૫૦ મહિલાઓને કાનૂની સહાય, ૭૯ મહિલાઓને તબીબી સહાય અને ૨૬ મહિલાઓને પોલીસ સેવા પૂરી પાડવામાં આવી છે. આ સેવાઓના માધ્યમથી સંકટની પરિસ્થિતિમાં મુકાયેલી અનેક જરૂરિયાતમંદ મહિલાઓને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી છે.

આ પ્રસંગે સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લેનાર મહિલાઓ દ્વારા પોતાની સફળ ગાથાનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. તેમજ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત દીકરી વધામણા કીટ તથા ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત વ્હાલી દીકરી મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શ્રીમતી કમળાબેન રાઉતે મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ વધારવાની જરૂરિયાત પર માર્ગદર્શન આપ્યું હતું. ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલે સખી વન સ્ટોપ સેન્ટરની સાત વર્ષની કામગીરીને બિરદાવતાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે કરવામાં આવી રહેલી કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલભાઈ ઠાકરેએ વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓને આપવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી અને મહિલાઓને કોઈપણ મુશ્કેલીના સમયે ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. મનીષાબેન મુલતાનીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા તથા કોઈપણ પ્રકારની હિંસા કે મુશ્કેલીના સંજોગોમાં સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડાંગ તથા સખી વન સ્ટોપ સેન્ટર, આહવાના તમામ કર્મચારીઓ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment