હિન્દ ન્યુઝ, આહવા
ગ્રામ્યકક્ષાએ નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ચાર સ્થળોએ આધાર કેમ્પ યોજાશે
નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શક રીતે અને ઘર નજીક મળી રહે તે હેતુથી ‘સેવાસેતુ 2.1 (ગ્રામ્ય)’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સરકારી સેવાઓ સાથે આધારકાર્ડ સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ તેમના નજીકના સ્થળે સરળતાથી ઉપલબ્ધ થઇ રહે તે હેતુસર આધાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આધાર કેમ્પ અંતર્ગત તાલુકાના વિવિધ ગામોના લોકો માટે નિર્ધારિત ગ્રામ પંચાયતો ખાતે આધાર કીટની વ્યવસ્થા કરવામાં આવી છે.
જે અંતર્ગત આજે પ્રથમ કેમ્પ તા. ૧૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ગ્રામ પંચાયત મોરઝીરા ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં મોરઝીરા, મોગરા, ગડદ, મહાલપાડા, ડોન, નાંદનપેડા અને કલમવહીર ગામોના નાગરિકો લાભ લીધો હતો.
આગામી તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ગ્રામ પંચાયત ચીંચલી ખાતે આધાર કેમ્પ યોજાશે, જેમાં ગાડવિહીર, કરાડીઆંબા, ચીંચધરા, હારપાડા, ટાંકલીપાડા, ચીંચલી, કડમાળ અને થોરપાડા સહિતના ગામોના નાગરિકો માટે આધાર સેવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ગ્રામ પંચાયત ગાઢવી ખાતે યોજાનારા કેમ્પમાં ગાઢવી, આહવા, ચનખલ, ધવલીદોડ, ગોંડલવહીર, ભીસ્યા, દિવાનટેમ્બુન, કોટબા, ઘુડા અને જામલાપાડા ગામોના નાગરિકો આધાર સંબંધિત કામગીરી કરાવી શકશે.
તેમજ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ગ્રામ પંચાયત વાસુર્ણા ખાતે આધાર કેમ્પ યોજાશે, જેમાં વાસુર્ણા, સોનગીર, લહાનચર્યા, ચૌકયા, બોરખલ, લીંગા, કામદ અને ઉમરપાડા ગામોના નાગરિકો લાભ લઇ શકશે. ગ્રામ્ય વિસ્તારોમાં આધારની સુવિધા વધુ સુલભ બને અને નાગરિકોને દૂરના સ્થળે જવાની અગવડતા ન પડે તે દિશામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંબંધિત ગામોના નાગરિકોને નિયત તારીખે સવારે ૧૧:૦૦ કલાકે સંબંધિત ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહી આધાર સંબંધિત સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
