હિન્દ ન્યુઝ, ડાંગ
રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સરળતાથી, પારદર્શી રીતે અને સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં ૨,૩૮૯ જેટલા નવા મહેસૂલી તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે, તેમજ તા.૧૭.૮.૨૦૨૬ ના ઠરાવથી મહેસૂલી તલાટી સંવર્ગનો નવો ‘જોબચાર્ટ’ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ નવી નિમણૂકો અને જોબચાર્ટ મુજબ તમામ મહેસૂલી તલાટીઓ પોતાના નિયત સેજા (વિસ્તાર) ખાતે વ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તે માટે રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓએ તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી કામગીરી શરૂ કરાવી છે.
એ મુજબ,
(૧) પ્રત્યેક સેજા ખાતે મહેસૂલી તલાટીઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા, જરૂરી ફર્નિચર, રેકર્ડની સલામત જાળવણી તથા આનુષંગિક વહીવટી સુવિધાઓ ઊભી કરવાની કાર્યવાહી સાથે, (૨) મહેસૂલી તલાટીઓ પોતાના સેજા હેઠળના કયા ગામમાં, કયા દિવસે અને ચોક્કસ કયા સમયે હાજર રહેશે, તે અંગેનું સમયપત્રક (ટાઇમ ટેબલ) નક્કી કરી સંબંધિત હુકમો બહાર પાડવામાં આવ્યા છે. (૩) નાગરિકોને પોતાના મહેસૂલી કામકાજ માટે તલાટી ક્યારે ઉપલબ્ધ રહેશે તેની સ્પષ્ટ માહિતી મળી રહે તે માટે આ સમયપત્રકની પ્રસિદ્ધિ પણ કરવામાં આવી રહી છે.
આ વ્યવસ્થાથી ગ્રામ્ય અને તાલુકા સ્તરે મહેસૂલી સેવાઓ વધુ સુદ્રઢ બનશે અને સામાન્ય નાગરિકોને પોતાના કામકાજ માટે સુગમતા રહેશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
