હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર તાલુકાના કુડાસણ ખાતે નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર બનેલી દુર્ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, SDRF, NDRF, સિવિલ ડિફેન્સ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દટાયેલા શ્રમિકોને સલામત બહાર કાઢી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રીએ તાત્કાલિક ઘટના સ્થળ તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત શ્રમિકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ દર્દીઓ તથા તેમના સ્વજનો સાથે સંવાદ સાધી સાંત્વના પાઠવી હતી તેમજ ઉપસ્થિત તબીબોને તમામ દર્દીઓને શ્રેષ્ઠ અને સત્વરે તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
હાલ તમામ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે અને ઘટનાસ્થળે પણ પોલીસ અને તંત્રની ટીમો દ્વારા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
