હિન્દ ન્યુઝ, વલસાડ
ગુજરાત રાજ્યના બાગાયત ખાતા અંતર્ગત કાર્યરત ‘ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી’ દ્વારા સંચાલિત ‘સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ (જિ. વલસાડ)’ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ સેન્ટર આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્લાન્ટિંગ મટીરીયલ્સ પૂરા પાડવાની નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. અહીં આધુનિક ગ્રીનહાઉસ અને નર્સરી કન્સેપ્ટ હેઠળ ધરુ અને કલમો ઉછેરવામાં આવતી હોવાથી છોડમાં રોગ-જીવાત સામે લડવાની ક્ષમતા વધુ હોય છે. પરિણામે ખેતરમાં વાવેતર બાદ છોડનો વિકાસ ઝડપી થાય છે, મરણપ્રમાણ નહિવત રહે છે, અને ઉત્પાદન ખર્ચ ઘટવાની સાથે પાકની ગુણવત્તા સુધરતાં બજારભાવ પણ સારા મળે છે.
સામાન્ય રીતે સરકારી યોજનાઓમાં સબસિડી ખેડૂતના ખાતામાં પાછળથી જમા થતી હોય છે, પરંતુ આ સેન્ટર ખાતે ‘એટ-સોર્સ સહાય યોજના’ અમલમાં છે, જેમાં ખેડૂતે ખરીદી વખતે જ સહાય બાદ કરીને માત્ર વધતી રકમ ચૂકવવાની રહે છે. ઓછામાં ઓછા રૂ. ૨,૦૦૦/- ના મૂલ્યની ખરીદી પર મળવાપાત્ર આ સુવિધાને કારણે ખેડૂતો પર આર્થિક બોજો પડતો નથી અને તેમનું રોકાણ એકદમ સરળ બને છે.
આ યોજના અંતર્ગત ખેડૂતોને ઓછામાં ઓછી રૂ. ૨,૦૦૦ ની ખરીદી કરવા પર સહાય મળવાપાત્ર રહેશે. સહાયના નિયત ધોરણ મુજબ, સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૫,૦૦૦ પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. જ્યારે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) ના ખેડૂતો માટે આ સહાય કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૭,૫૦૦ પ્રતિ લાભાર્થીની મર્યાદામાં મળવાપાત્ર છે.
ચાલુ વર્ષ દરમિયાન સેન્ટર દ્વારા ખેડૂતોને સમયસર વાવેતર સામગ્રી ઉપલબ્ધ કરાવી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ખેડૂતોને અંદાજે ૫,૬૦૦ જેટલી ઉચ્ચ ગુણવત્તાવાળી આંબાની કલમો પૂરી પાડવામાં આવી છે, તેમજ શાકભાજી તથા ફૂલપાકના અંદાજે ૨.૩૦ લાખ તંદુરસ્ત ધરુનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હાલમાં ખેડૂતો દ્વારા પૂરા પાડવામાં આવેલા બિયારણમાંથી સેન્ટર ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજે ૨.૫૦ લાખ ધરુ તૈયાર થઈ રહ્યા છે, જે આગામી માસમાં વિતરણ પામશે. સેન્ટર દ્વારા શિયાળુ તથા આગામી ઋતુ માટે શાકભાજીના અંદાજે ૫ થી ૬ લાખ ધરુ તૈયાર કરવાનું આયોજન આગામી ડિસેમ્બર-જાન્યુઆરી માસ માટે કરવામાં આવ્યું છે.
આ યોજનાનો સીધો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત નમૂનાની અરજી સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. જેમાં ત્રણ માસ કરતાં જૂની ન હોય તેવી ગામ નમૂના નં. ૮-અ, ૭ અને ૧૨ ની અસલ નકલ, આધાર કાર્ડ અથવા રેશનકાર્ડની નકલ, જરૂરિયાત મુજબ ફોટોગ્રાફ દર્શાવતું ઓળખપત્ર અને જો લાગુ પડતું હોય તો જાતિ કે દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની હોય છે.
ગુજરાત સરકારના બાગાયત ખાતાનો આ પ્રયાસ માત્ર સબસિડી આપવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ખેડૂતોને ‘ઉત્પાદનથી બજાર’ સુધી સક્ષમ બનાવવાનો એક સાર્થક પ્રયાસ છે. ચણવઈ સેન્ટરથી મળતી આ સહાય દક્ષિણ ગુજરાતમાં બાગાયતી ખેતીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે.
