ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “ડિઝાઇન થિંકિંગ” પર નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, દાહોદ

   ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે ISTE ચેપ્ટર અંતર્ગત પ્રથમ વર્ષ B.E. ના વિદ્યાર્થીઓ માટે “ડિઝાઇન થિંકિંગ” વિષય પર એક વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઇન્નોડેસ્ક ડિઝાઇનોવેશન સર્વિસિસના સ્થાપક અને GTU સ્ટાર્ટ-અપ કોચ કર્મજિતસિંહ બિહોલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને નવીન વિચારસરણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળતા મેળવવા માટે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારુ સમસ્યાઓના અસરકારક ઉકેલ માટે યુઝર એમ્પથી (AEIOU ફ્રેમવર્ક), સ્કૅમ્પર (SCAMPER) પદ્ધતિ તથા પ્રોટોટાઇપિંગ જેવા સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે.

વધુમાં, તેમણે વિદ્યાર્થીઓને પોતાના વિચારોને પ્રોટોટાઇપ અને મિનિમમ વાયબલ પ્રોડક્ટ (MVP) માં રૂપાંતરિત કરીને સ્ટાર્ટ-અપ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના વક્તાશ્રીએ સરળ જવાબો આપ્યા હતા.

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કે. બી. જુડાલના માર્ગદર્શન હેઠળ પ્રો. એસ. પી. ચંદ્રેશા દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ માર્ગદર્શક અને પ્રેરણાદાયી રહ્યો હતો.

Related posts

Leave a Comment