ડાંગ જિલ્લામાં પ્રભારી મંત્રી ડો.જયરાભાઇ ગામીતની અધ્યક્ષતામાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન કાર્યક્રમ યોજાયો 

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લામાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના સંકલ્પ સાથે પ્રભારી મંત્રીશ્રી ડો.જયરાભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને આજરોજ સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે સમરસ વિદ્યા સેતુ યોજના અંતર્ગત “Back to School” (બેક ટુ સ્કૂલ) અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શરૂ થયેલા શિક્ષણલક્ષી અભિયાનોને આગળ વધારતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “સમરસ વિદ્યા સેતુ અભિયાન” અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં શાળાથી વંચિત, ડ્રોપઆઉટ થયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લાના દરેક બાળક સુધી શિક્ષણનો અધિકાર પહોંચે તથા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. શાળા પ્રવેશોત્સવ અને પુનઃ પ્રવેશોત્સવની શ્રેણીમાં હાથ ધરાયેલા આ અભિયાન અંતર્ગત જિલ્લામાં બાળકોને પુનઃ શાળામાં દાખલ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં કુલ ૩૫૨૨ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ માંથી ૧૮૬૨ જેટલાં વિદ્યાર્થીઓને શાળામાં પુનઃપ્રવેશ કરવામાં આવ્યો છે. જે સરાહનીય કામગીરી છે. તેમજ NEP ૨૦૨૦ અંતર્ગત ૨૦૩૦ સુધીમાં ડ્રોપ આઉટ શૂન્ય કરવા અને ટ્રાન્ઝિશન રેટ ૧૦૦% કરવાનો લક્ષ્યાંક છે. 

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઇ ગામીતે જણાવ્યું હતું કે, દેશને સમૃદ્ધ, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. પહેલાં શાળાઓમા પુરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હતી પરંતુ ચાલુ સરકાર દ્વારા અત્યાધુનિક સુવિધા વાળી શાળાઓ તૈયાર કરવામાં આવી છે. વિકસિત ભારત-૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષણનો પાયો મજબૂત હોવો અત્યંત જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. 

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજભાઇ પટેલે જણાવ્યું જણાવ્યું હતું કે, શિક્ષકમાં સમાજ અને દેશનું ભવિષ્ય ઘડવાની અદભૂત શક્તિ રહેલી છે. જે શિક્ષણ આપે તે શિક્ષક છે અને બાળક પ્રત્યેનો શિક્ષકનો ભાવ સમરસ હોય છે. શિક્ષકની મહેનત, માર્ગદર્શન અને સંવેદનાથી બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે. બાળક શાળાએ ન પહોંચે તો તેનું આખું ભવિષ્ય અંધકારમય બની શકે છે. તેથી દરેક બાળકને શાળામાં પુનઃપ્રવેશ અપાવી શિક્ષણની મુખ્યધારામાં જોડવા માટે સૌએ સંકલ્પબદ્ધ થઈ કામગીરી કરવી જોઈએ. વધુમાં તેઓએ જિલ્લામાં ડ્રોપઆઉટ બાળકોને પુનઃપ્રવેશ અપાવવામાં નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોને અભિનંદન પાઠવી તેમના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમ દરમિયાન ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંગેની લઘુફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે પુનઃપ્રવેશ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિણાબેન ગાંગુર્ડે, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામભાઇ સાંવત, સહિત જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારી જિગ્નેશ ત્રિવેદી, પ્રાથમિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઇ દેશમુખ, ડાયટ પ્રાચાર્ય ડો.ભગુભાઇ રાઉત સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ, શિક્ષકઓ, શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment