હિન્દ ન્યુઝ, દાહોદ
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, માર્ગ સલામતીના ચિહ્નો તથા અકસ્માત સમયે માનવતાપૂર્ણ મદદ અંગે જાગૃત કરવાનો હતો.
આ કાર્યક્રમમાં એસ. કે. ગામીત (RTO), એન. એસ. કડિયા (ARTO), એન. સી. પટેલ (IMV) તેમજ ઇન્ટરસેપ્ટર વાનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, એમ. કે. દામા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, જિલ્લા ટ્રાફિક શાખા, દાહોદ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ સોમાભાઈ, જિલ્લા ટ્રાફિક શાખા, દાહોદ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એસ. કે. ગામીત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માટે હેલ્મેટના મહત્વ તેમજ વાહન ચલાવતી વખતે જરૂરી સાવચેતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા સુરક્ષિત રીતે વાહન ચલાવવા અને પોતાની તેમજ અન્ય માર્ગ વપરાશકર્તાઓની સલામતીનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.
એન. એસ. કડિયા દ્વારા માર્ગ અકસ્માતોની ગંભીરતા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે દર વર્ષે અંદાજે 1,80,000 જેટલા લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે, જ્યારે આશરે 4,50,000 લોકો નાની-મોટી ઇજાઓનો ભોગ બને છે. તેમણે વિદ્યાર્થીઓને અકસ્માત સમયે માનવતાના ધોરણે આગળ આવી અકસ્માત પીડિત વ્યક્તિને મદદ કરવા અને ગોલ્ડન અવર દરમિયાન હોસ્પિટલ પહોંચાડવા માટે ‘રાહવીર’ તરીકે કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત પીડિતને ગોલ્ડન અવર દરમિયાન હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરનાર વ્યક્તિને સરકારશ્રી દ્વારા ₹25,000નું રિવોર્ડ આપવામાં આવે છે.
એન. સી. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ટ્રાફિક અને માર્ગ સલામતીના ચિહ્નો (Road Safety Signs) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે માર્ગ પર દર્શાવવામાં આવતા વિવિધ સંકેતોનો અર્થ સમજાવીને વાહનચાલકોએ તેનું પાલન કરવું કેટલું જરૂરી છે તે સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા અને માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કર્યો હતો.
એમ. કે. દામા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલ શ્રી અરવિંદભાઈ સોમાભાઈ દ્વારા પણ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી તથા માર્ગ સલામતી અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઇન્ટરસેપ્ટર વાનનું નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઇન્ટરસેપ્ટર વાનની કામગીરી તથા ટ્રાફિક નિયમોના અમલ અને માર્ગ સલામતી માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી અંગે માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના પ્રિન્સિપાલ ડૉ. કે. બી. જુદાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં પ્રોફેસર એમ. કે. સિંઘ, ડૉ. ઇશાક શેખ અને પ્રોફેસર બી. કે. ચાવડાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, હેલ્મેટનો નિયમિત ઉપયોગ કરવા તથા માર્ગ અકસ્માત સમયે શક્ય તેટલી મદદ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં જવાબદાર અને સલામત માર્ગ વપરાશકર્તા બનવાની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
