ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓના અનુસંધાને પરીક્ષાસ્થળો આસપાસ પ્રતિબંધો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ જૂનથી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પરીક્ષાસ્થળો આસપાસ કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે.

આ પરીક્ષા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષાર્થીઓ નિર્ભિક રીતે શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષાકેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરમશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડસ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનાં ઉપયોગ પર, ૧૦૦ મીટરની ત્રિજયામાં ૪ કે તેથી વધુ માણસોનાં એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેનાં ઉપયોગ પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે.

Related posts

Leave a Comment