ઉમરગામ તાલુકાના દેહરી ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો

હિન્દ ન્યુઝ, ઉમરગામ 

  વલસાડ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રીએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ઉમરગામ તાલુકાના દેહરી – ગોવાડા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો.

રાજ્યપાલશ્રીએ રાત્રીસભા પુર્વે, ગામના અનુસૂચિત જાતિ પરિવારના કૌશિકભાઇ સુરેશભાઇ માહયાવંશીના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.રાજ્યપાલએ સહજતા અને આત્મીયતા સાથે કૌશિકભાઇ, તેમના ધર્મપત્ની નયનાબેન, પુત્ર પ્રિન્સ સાથે વાતચીત કરી, તેમના રોજિંદા જીવન વિશે માહિતી મેળવી હતી. ગામડાની પરંપરા મુજબ રાજ્યપાલશ્રીએ દુધીનું શાક, રોટલી, ખીચડી, મગની દાળ જેવા સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

રાત્રીસભામાં રાજ્યપાલએ ગામના વાતાવરણની પ્રશંસા કરતા જણાવ્યું કે, જો પરિવારમાં સ્નેહ, એકતા અને ભાઈચારો હોય તો તે ધરતી પરનું સ્વર્ગ છે. આપણી પુંજી આપણા બાળકો છે. બાળકો સમાજનું ગૌરવ વધારે એવા સંસ્કારી અને ગુણવાન બનાવીએ. ભાવી પેઢી શિક્ષિત હશે તો સમાજ ઉત્તરોતર પ્રગતિ કરશે. 

સ્વાસ્થ્યની ગંભીરતા અંગે જણાવતા રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, સ્વાસ્થ્યને સારું રાખવા માટે સાત્વિક આહાર લેવો જોઇએ. રાસાયણિક ખાતરોનો ઉપયોગ અને વિદેશી ખેતીએ જમીનને બંજર બનાવી છે. જેના કારણે કેન્સર જેવી ભયંકર બીમારીઓ આવી છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા ઝેરમુક્ત ખોરાકથી માનવ શરીર રોગમુકત રહેશે. ગુજરાતમાં સાડા આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવો અનુરોધ રાજ્યપાલએ કર્યો હતો. 

ગામના ખેડૂતોને સંબોધતા તેમણે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન દ્વારા આવક વધારવા અપીલ કરી હતી. 

રાજ્યપાલએ ડીઝલ-પેટ્રોલના ઓછા ઉપયોગ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનને સમર્થન આપતા જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલ આયાતના કારણે દેશ પર આર્થિક બોજ વધી રહ્યો છે. જેથી આપણી સામુહિક જવાબદારી બને છે કે, ડીઝલ-પેટ્રોલનો ઓછો ઉપયોગ કરીએ. સામુહિક યાત્રા કરીએ. 

આ રાત્રી ગ્રામસભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, ધારાસભ્ય રમણભાઇ પાટકર, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પોલીસ વિભાગના અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગનો અધિકારીઓ, દેહરીના સરપંચ ધનેશભાઇ, ઉપસરપંચ ઉમેશભાઈ તલાટી સહિત મોટી સંખ્યામાં સન્માનીય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment