જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયા તથા આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ઈન્ટરવ્યૂનું સફળતાપૂર્વક આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

    રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયા તથા આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ઈન્ટરવ્યૂનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભરતી પ્રક્રિયામાં વિવિધ ટ્રેડના કુલ ૯૪ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પસ ઈન્ટરવ્યૂ દરમિયાન દેશની અગ્રણી કંપનીઓ દ્વારા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ તેમજ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

એલ એન્ડ ટી હેવી એન્જિનિયરિંગ, હજીરા-સુરત દ્વારા એપ્રેન્ટિસશિપ ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કુલ ૩૫ ઉમેદવારો સફળતાપૂર્વક પાસ થયા છે. આ ઉમેદવારોને આઈ.ટી.આઈ.ની અંતિમ પરીક્ષા પૂર્ણ થયા બાદ કંપનીમાં ફાઇનલ જોડાણ આપવામાં આવશે.

ઉપરાંત, સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન્સ પ્રા. લિ. દ્વારા હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં કુલ ૪૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

આ સફળ ભરતી આયોજન બદલ આચાર્ય શ્રી ભગીરથસિંહ જાળીયા, આચાર્ય શ્રી પ્રિયેશ વાળા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ તેમજ સમગ્ર આઈ.ટી.આઈ. પરિવાર દ્વારા પસંદગી પામેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રકારના કેમ્પસ ઈન્ટરવ્યૂના આયોજનથી તાલીમાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો પ્રાપ્ત થાય છે તેમજ ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ ઉપલબ્ધ કરવામાં આઈ.ટી.આઈ. જૂનાગઢ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

Related posts

Leave a Comment