તા.૧૯ અને ૨૦ મે દરમિયાન “બાલક પાલક સર્જન” કાર્યક્રમ અંતર્ગત ૬૭ આંગણવાડીઓમાં ૬૭ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુપરવિઝન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

     સમગ્ર રાજ્યમાં આઇ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં આપવામાં આવતી સેવાઓ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ અંગે માતા-પિતા અને વાલીઓને માહિતગાર કરવા તથા વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે માટે “બાલક પાલક સર્જન” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર ક્રિશ્ના પટેલ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં તા.૧૯/૦૫/૨૦૨૬ના રોજ ૩ થી ૬ વર્ષના બાળકો અને તેમના વાલીઓ માટે તેમજ તા.૨૦/૦૫/૨૦૨૬ના રોજ ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓ માટે આંગણવાડી કક્ષાએ “બાલક પાલક સર્જન” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લાની કુલ ૬૭ આંગણવાડીઓનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, એસીએફ ફતેસિંહ મીના સહિતના ૬૭ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા કવાંટ તાલુકાના ભુમસવાડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર ભુમસવાડા-૨ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન હાજર વાલીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બાળકો સાથે સંવાદ કરી તેઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. સાથે ગામની મુલકાત દરમિયાન જિલ્લા કલેકટર ગામના પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી રજુઆતો સાંભળી હતી.  

“બાલક પાલક સર્જન” કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના નામાંકનમાં વધારો કરવો, નોંધાયેલા બાળકો આંગણવાડીમાં નિયમિત રીતે હાજર રહી અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે વાલીઓની ભાગીદારી વધારવી તેમજ બાળકો અને વાલીઓ સાથે મળીને વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

Related posts

Leave a Comment