જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રેરિત કરવા માટે ૬૧ જેટલી ટીમ કાર્યરત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

    જમીનના આરોગ્યના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ તો જરૂરી છે જ. સાથે સાથે રાસાયણિક ખાતરનો સમતોલ અને સંકલિત ઉપયોગ થાય તે પણ એટલું જ જરૂરી છે, આ માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રેરિત કરવા માટે ૬૧ જેટલી ટીમ કાર્યરત છે, આ ટીમ ખેડૂતના ખેડૂતના ખેતર, ગ્રામ પંચાયત, વગેરે જાહેર સ્થળોએ બેઠક યોજીને જમીનના સ્વાસ્થ્ય સુધારવા માટે વિશેષ માર્ગદર્શન કરી રહી છે.

રાજ્ય સરકારે રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ માટે ખાસ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, તે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિસ્તરણ અધિકારી, કૃષિ વૈજ્ઞાનિક, ગ્રામસેવક, આત્મા પ્રોજેક્ટ હેઠળનો સ્ટાફ, ખેતી મદદનીશ સહિતના સ્ટાફની બનેલી ટીમ ગામે ગામ જઇ, ખેડૂતોને રાસાયણિક ખાતરના સમતોલ ઉપયોગ કરવા માટે સમજૂતી આપી રહી છે. સાથે જ તેના નેનો યુરિયા સહિતના વિકલ્પો વિશે પણ જાણકારી આપે છે. ઉપરાંત સોઇલ હેલ્થ ટેસ્ટ અંગે પણ ખેડૂતોને અવગત કરવામાં આવે છે.

આ અભિયાન અંતર્ગત ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે ગાય આધારિત કૃષિના ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત, આચ્છાદાન, સહજીવી પાક વિશે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત જરૂરી ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment