બોટાદમાં માર્ગ સલામતીની દિશામાં અસરકારક પગલાં; એ.પી.એમ.સી. વિસ્તાર ખાતે વાહનોને રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

           બોટાદ જિલ્લામાં માર્ગ સલામતી અર્થે અસરકારક પગલાંના ભાગરૂપે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO), બોટાદ દ્વારા પાળીયાદ એ.પી.એમ.સી. વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૬૦ ટ્રેલર તથા અન્ય ભારવાહક વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા.

           આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રાત્રિના સમયમાં માર્ગ પર ચાલતા ભારવાહક વાહનો વધુ સ્પષ્ટરીતે દ્રશ્યમાન બને તેવો છે. જેથી આવા વાહનોની પાછળથી આવતા વાહનચાલકોને સમયસર સૂચના મળી રહે અને અકસ્માતોની શક્યતા ઘટે. ખાસ કરીને ગ્રામ્ય અને હાઇ-વે માર્ગો પર વિશેષ કામગીરી માર્ગ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

           આ અભિયાન દરમિયાન વાહનચાલકો સાથે સંવાદ કરી તેઓને માર્ગ સલામતીના મૂળભૂત નિયમો, ઓવરલોડિંગના જોખમો તેમજ નિયમિત વાહન તપાસ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, સલામત અને જવાબદાર ડ્રાઇવિંગની ભાવના વિકસે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

           આમ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદ દ્વારા જિલ્લા સ્તરે માર્ગ સલામતી માટે સતત નવી પહેલો હાથ ધરવામાં આવી રહી છે, જે જનહિત અને અકસ્માત ઘટાડવા માટે મહત્વપૂર્ણ બની રહી છે

Related posts

Leave a Comment