હિન્દ ન્યુઝ, આણંદ
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે.
આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં પ્રવેશ કરતા ત્રણ મુખ્ય ચેકપોસ્ટ લાલપુરા, પણસોરા અને ચીખોદરા ચોકડી ખાતે થી પસાર થતા વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરવા માટે 03 ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે અને આ ટીમો દ્વારા ઉમરેઠ શહેરમાં પ્રવેશતા વાહનોના ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતએ આકસ્મિક રીતે ઉમરેઠના લાલપુરા, ભાલેજના પણસોરા અને આણંદ ગ્રામ્યના ચિખોદરા ખાતેના ચેક પોસ્ટ ઉપર તપાસણી કરી હતી અને ફ્લાયિંગ સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ તપાસણી દરમિયાન ઓબ્ઝર્વર શ્રી એ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તેના રજીસ્ટરની ચકાસણી કરી હતી.
ઓબ્ઝર્વર અનંગ રાવતે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમના અધિકારી કર્મચારીઓને જણાવ્યું હતું કે ઉમરેઠ શહેરમાં પ્રવેશતા ત્રણ ચેકપોસ્ટ ઉપર કરવામાં આવતી કામગીરી દરમિયાન વાહન લઇને પસાર થનાર વ્યક્તિ ખોટી રીતે હેરાન ન થાય તે જોવા પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત કોઈપણ વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવે ત્યારે નમ્રતાપૂર્વક વાત કરીને વિડીયોગ્રાફી કરીને વાહનની તપાસણી કરવા માટે પણ જરૂરી સૂચના આપી હતી. ઓબ્ઝર્વર એ કહ્યું હતું કે વાહનો તપાસણી માટે ઊભા રાખવામાં આવે ત્યારે અન્ય અવરજવર કરતા વાહનોને નડતરરૂપ ન થાય તે રીતે વાહન થંભાવી ને ચેકિંગ હાથ ધરવું જેથી અન્ય લોકોને ખોટી રીતે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત તેમણે મતદાનના દિવસ નજીક આવી રહ્યા છે ત્યારે ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનો શંકાસ્પદ લાગે તો તેનું ઝીણવટ ભર્યું તપાસ હાથ ધરવા પણ તેમણે જરૂરી સૂચના આપી હતી
