‘વર્લ્ડ રેડિયો ડે’:સ્ક્રીન વગરનો સંવાદ એટલે ‘રેડિયો’

હિન્દ ન્યુઝ, ડાંગ

   વિચારોને વાચા આપનાર રેડિયો માત્ર સંચારનું સાધન નહીં, પરંતુ વિશ્વાસ, જોડાણ અને પ્રેરણાનો અવાજ છે. દર વર્ષે તા.૧૩મી ફેબ્રુઆરીના રોજ યુનેસ્કોના માધ્યમથી ‘વર્લ્ડ રેડિયો ડે’ની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડિયો પ્રસારણકર્તાઓને સમર્પિત છે. જે સમાચારોનો પ્રસાર કરે છે, વિચારોને વાચા આપે છે, અને રસપ્રદ કથાઓ પીરસે છે. ચાલુ વર્ષે ‘વર્લ્ડ રેડિયો ડે’ની ઉજવણી ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ પર કરવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમવાર જન-જન સુધી સંવાદ સાધવા સને ઓક્ટૉબર, ૨૦૧૪થી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે રેડિયોનું માધ્યમ પસંદ કર્યુ હતું. જેથી ફરી એકવાર સાબિત થયું છે કે, રેડિયો દેશવાસીઓના દિલ સુધી પહોંચવાની અનોખી ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં ‘મન કી બાત’ના માધ્યમથી ૧૩૦ એપિસોડ થકી સરકાર અને જનતા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો છે. જેમાં સ્વછતા, આરોગ્ય, મહિલા સશક્તીકરણ, શિક્ષણ, રમત-ગમત જેવા સામાજિક મુદ્દાઓ, પ્રેરક પ્રસંગો અને રાષ્ટ્રીય ચેતનાને અવાજ મળ્યો છે. 

ડિજિટલ યુગમાં અનેક આધુનિક માધ્યમો વચ્ચે પણ રેડિયોએ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે. જ્યા સંચારના માધ્યમ ઉપલબ્ધ ન થઇ શકે, ત્યાં રેડિયોએ મિત્રની ભૂમિકા ભજવી છે. સમાચાર હોય કે રમતોની કોમેન્ટ્રી, ગીત હોય કે ભજન, આપત્તિનો સમય હોય કે ઉત્સવોનો ઉત્સાહ હોય, રેડિયો એ દેશ અને દુનિયાને જોડ્યા છે. કેટલીક અવિસ્મરણીય ક્ષણોનો રેડિયો સાક્ષી રહ્યો છે. જેમ કે ગણતંત્ર દિવસની પરેડ, વિશ્વકપ જીતવાની ક્ષણ હોય કે યુદ્ધની પરિસ્થિતિ હોય, રેડિયો પર સંભળાતી કોમેન્ટરી, કરોડો શ્રોતાઓ સમક્ષ તેના આબેહૂબ વર્ણન થકી માહિતગાર કરે છે. ટીવી ન હોય ત્યારે પણ માત્ર અવાજ દ્વારા દ્રશ્ય આંખ સામે જીવંત કરવાની ક્ષમતા રેડિયોની વિશેષતા રહી છે. આજે પણ અનેક લોકોની મુસાફરીનો સાથી રેડિયો છે.  

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે રેડિયો આજે પણ માર્ગદર્શક બની રહ્યો છે. સમકાલીન વિષયો, સમાચાર વિશ્લેષણ, ચર્ચાઓ અને પ્રેરણાત્મક કાર્યક્રમો દ્વારા રેડિયો વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડતો આવ્યો છે. અંતરિક્ષ યાત્રિ શ્રી શુભાંશુ શુક્લાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી HAM રેડિયો દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે દર્શાવે છે કે વિજ્ઞાન, શિક્ષણ અને પ્રેરણા એક જ અવાજમાં મળે છે. નોંધનીય છે કે, કુદરતી આપદા સમયે જ્યારે કોઇ કનેક્ટિવીટી ઉપલબ્ધ ન હોય ત્યાં HAM રેડિયો વહીવટીતંત્ર સુધી સંદેશો પહોંચાડવા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. 

ઓલ ઇન્ડિયા રેડિયો દેશનું જાહેર સેવા પ્રસારક છે. જે તેના સૂત્ર ‘બહુજન હિતાય: બહુજન સુખાય’ને ચરિતાર્થ કરે છે. ભાષાઓની વૈવિધ્યતા અને સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતાના પરિપ્રેક્ષ્યથી ઓલ ઇન્ડિયા રેડિયો વિશ્વની સૌથી મોટી પ્રસારણ સંસ્થાઓમાંની એક છે. AIR ની હોમ સર્વિસ હેઠળ દેશભરમાં સ્થિત ૪૭૯ પ્રસારણ કેન્દ્રો કાર્યરત છે. જે દેશના લગભગ ૯૨ ટકા વિસ્તારમાં અને કુલ વસ્તીના ૯૯.૧૯ ટકા નાગરિકોને સ્પર્શે છે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયો વિવિધ ૨૩ ભાષાઓ અને ૧૭૯ લોકબોલીમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે.

 

દેશમાં શ્રોતાઓ સુધી લોકપ્રિય FM રેડિયો પહોંચાડવામાં પણ ઓલ ઇન્ડિયા રેડિયો અગ્રણી માધ્યમ રહ્યું છે. પ્રથમ એફએમ ચેનલ વર્ષ ૧૯૭૭માં ચેન્નાઈમાં પ્રયોગાત્મક ધોરણે શરૂ કરવામાં આવી હતી. ખાનગી પ્રસારકો માટે રેડિયો પ્રસારણ ખુલ્લું મુકાતા FM પ્રસારણને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે. શ્રોતાવર્ગની બદલાતી પસંદગીને અનુરૂપ પ્રસ્તુતિ શૈલી ઝડપી અને અનૌપચારિક બની છે. જીવંત કાર્યક્રમો અને સુસંગતતા એ યુવાનોની કલ્પનાને આકર્ષી અને તેમને રેડિયો તરફ વધુ નજીક લાવ્યા છે. મોટા શહેરોમાં ટ્રાફિક સંબંધિત અપડેટ, આરોગ્યલક્ષી તેમજ સરકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડે છે.   

કમ્યુનિટી રેડિયો પ્રસારણનું એક મહત્વપૂર્ણ ત્રીજું સ્તર છે. જે જાહેર સેવા રેડિયો પ્રસારણ અને વ્યાવસાયિક રેડિયોથી અલગ છે. કમ્યુનિટી રેડિયોનું માધ્યમ લોકશાહીની પરિભાષાથી ખૂબ નજીક છે. લોકોથી, લોકો દ્વારા, અને લોકો સુધી કમ્યુનિટી રેડિયો સંચારનું અત્યંત પ્રભાવી માધ્યમ બન્યું છે. ભારત જેવા દેશમાં જ્યાં દરેક રાજ્યની પોતાની ભાષા અને વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખ છે, ત્યાં કમ્યુનિટી રેડિયો સ્થાનિક લોકસંગીત અને સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આપદા સંકટમાં કમ્યુનિટી રેડિયો સૂચનાનું અગત્યનું માધ્યમ બને છે. આમ, વિવિધ માધ્યમથી થતું રેડિયો પ્રસારણ એક મહત્વના પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે.

રાજ્યના છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાના દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં માહિતી, શિક્ષણ અને મનોરંજનના સશક્ત માધ્યમ તરીકે આકાશવાણી કેન્દ્ર, આહવા પણ નોંધપાત્ર સેવા બજાવી રહ્યું છે.

પર્વતીય અને જંગલ વિસ્તારો ધરાવતા ડાંગ જિલ્લામાં સંચાર સુવિધાઓ મર્યાદિત હોવાના કારણે રેડિયો પ્રસારણ અત્યંત અસરકારક સાબિત થયું છે. સને ૧૯૮૭/૮૮ના દાયકામાં પ્રારંભિક તબક્કામાં લો પાવર ટ્રાન્સમિટર (LPT) દ્વારા મર્યાદિત વિસ્તારમાં આકાશવાણી કેન્દ્રનું પ્રસારણ શરૂ થયું હતું. બાદમાં તકનિકી સુવિધાઓમાં સુધારા વધારા કરીને તેની પ્રસારણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો. સને ૨૦૧૨ થી તેને FM માં કન્વર્ટ કરી અમદાવાદ, વડોદરા સાથે સહ પ્રસારણ સેવા શરૂ કરવામાં આવી છે. આ કેન્દ્ર આહવાના સનસેટ પોઇન્ટ ખાતે આવેલું છે. જ્યારે પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલા પ્રસાર ભારતીના નવા આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ સને ૧૯૯૪માં થયો હતો. જ્યાંથી સ્થાનિક ડાંગી અને ગુજરાતી ભાષામાં વિવિધ કાર્યક્રમો પ્રસારિત થાય છે. કૃષિ માર્ગદર્શન, આરોગ્ય જાગૃતિ, શિક્ષણલક્ષી કાર્યક્રમો, મહિલાઓ અને યુવાનો માટે વિશેષ કાર્યક્રમો, લોકસંગીત, ભક્તિ સંગીત તેમજ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સમાચાર નિયમિત રીતે પ્રસારિત કરવામાં આવે છે.

આકાશવાણી-આહવાએ સરકારી યોજનાઓની માહિતી ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સાથે સાથે સ્થાનિક લોકકલાને પ્રોત્સાહન આપી ડાંગની સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં પણ મહત્વનુ યોગદાન આપ્યું છે.

ડાંગ જિલ્લાની વિકાસયાત્રામાં આકાશવાણી કેન્દ્ર, આહવા એક વિશ્વસનીય અને જનકલ્યાણકારી સંચાર માધ્યમ તરીકે આજે પણ કાર્યરત છે. આ કેન્દ્રનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર રવિકર ડામોર, તથા એન્જિનિયરિંગ હેડ જે.કે.પરમારના વડપણ હેઠળ દુર્ગમ પહાડી વિસ્તારોમાં ૨૫ થી ૩૦ કિલોમીટર સુધી સુપેરે કરવામાં આવી રહ્યું છે. 

Related posts

Leave a Comment