હિન્દ ન્યુઝ, ગાંધીનગર
જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન તથા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચનામાં ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર તાલુકાના શાહપુર ગામ ખાતે સાબરમતી નદીપટ્ટમાં બિનઅધિકૃત સાદીરેતી ખનન તથા વહન પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ધોળાકુવા–શાહપુરને જોડતા ધોળેશ્વર મહાદેવ બ્રિજ નીચે બિનઅધિકૃત ખનન/વહનની ફરિયાદના અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાથી સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમના ત્રણ મહિલા ખનિજ અધિકારીઓ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર કું. મેહુલા સભાયા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર દેવયાનીબા જાડેજા તથા માઈન્સ સુપરવાઈઝર કું. સગુણા ઓઝા દ્વારા સ્થળ પર તપાસ કરી ૦૨ એસ્કેવેટર મશીનો અને ૦૫ ડમ્પરો સહિત કુલ ૦૭ મશીનરી/વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે રૂપિયા ૨.૫૦ કરોડ થાય છે.
આ ઉપરાંત, આશરે એક વર્ષ અગાઉ પણ સદર સ્થળે આકસ્મિક રેડ દરમિયાન બિનઅધિકૃત સાદીરેતી ખનન/વહન કરતા ૦૨ લોડર મશીનો તથા ૦૨ ડમ્પરો ઝડપવામાં આવ્યા હતા. આ કેસમાં ખનિજ ચોરી બદલ આશરે રૂપિયા ૭૦ લાખની દંડકીય રકમ બાબતે તા. ૧૮/૧૧/૨૦૨૪ ના રોજ ડભોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ રીતે કુલ ૦૭ એસ્કેવેટર મશીનો/ડમ્પરો સહિત આશરે રૂપિયા ૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ મશીનરીના વાહનમાલિકો સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો–૨૦૧૭ અંતર્ગત દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
