હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર નોટીફાઇડ એરીયા દ્વારા તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી વિન્ટર ફેસ્ટિવલ – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ સાંજે ૬ કલાકે સાપુતારા ખાતે રાજ્ય કક્ષાના ના મંત્રી, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગાવિતના હસ્તે વિન્ટર ફેસ્ટિવલને ખુલ્લો મુકવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકસભા દંડક વ સાંસદ સભ્ય ધવલભાઇ પટેલ, ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભા પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, તેમજ અતિથિ વિશેષ તરીકે ડાંગ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ સહિતના અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી યોજનાર આ વિન્ટર ફેસ્ટિવલમાં પ્રકૃતિની સુંદરતા, એડવેન્ચર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો અનોખો સંગમ જોવા મળશે. દૈનિક સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમો, રોડ બ્યુટિફિકેશન વિથ લાઇટ્સ, ડાંગી નૃત્ય વાધ્ય લાઇવ પરફોર્મન્સ, રમત- ગમત પ્રવૃતિઓ માણવા મળશે. તેમજ તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ ભવ્ય ડ્રોન શો રાત્રે ૯.૩૦ કલાકે અને ૩૧ ડિસેમ્બરના રોજ ફાયરવર્ક શો રાત્રે ૧૨.૦૦ કલાકે યોજવામાં આવશે.
