હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં સમય સાથે અત્યાધુનિક પી.એમ.એસ.એસ.વાય અને મેટરનિટી અને ચાઈલ્ડ હોસ્પિટલ સૌરાષ્ટ્રના દર્દીઓની સારવાર તથા સેવામાં અગ્રેસર રહી છે. સમગ્ર ગુજરાતના દર્દીઓને ખુબ જ ઓછા દરે શ્રેષ્ઠ સેવા પુરી પાડતી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ સુપર સ્પેશ્યાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સેવાઓનો ફલક વધારી રહી છે. વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૨૪ વર્ષ પૂર્ણ થતાં વિકાસ સપ્તાહની ઉજવણી હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટને તેમના દ્વારા અપાયેલી એઇમ્સ રૂપી દેનને કેમ ભૂલી શકાય? રાજકોટ ખાતે કાર્યરત ગુજરાતની પ્રથમ અને એક માત્ર એઇમ્સની ઓ.પી.ડી. સેવાનો આજ સુધીમાં ૫,૮૨,૮૩૯ થી વધુ લોકોએ લાભ લીધો છે. ૨૬૦ બેડની ઇન્ડોર પેશન્ટ સુવિધા સાથે ફૂલ ફ્લેજમાં ચાલી રહી છે. જેનો ૮ હજારથી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો છે.
અહીં દર્દીઓની સારવાર માટે જરૂરી લેબ ટેસ્ટ સામાન્ય દરે કરી આપવામાં આવે છે, જેમાં ૬,૧૪,૮૧૦ લેબ રિપોર્ટ કરી આપવામાં આવ્યા છે. તો ટ્રોમા સહીત ઇમર્જન્સીના ૧૭ હજાર થી વધુ કેસમાં એઇમ્સ હોસ્પિટલ દર્દીને નવજીવન આપવામાં સહાયક બની છે.
રાજકોટ એઇમ્સમાં માત્ર ૧૦ રૂ. માં ઓ.પી.ડી. વિભાગમાં નિદાન કરી આપવામાં આવે છે. જેમાં બાળકોના, સ્ત્રી રોગ, આંખ, કાન, ગળા, મોં, ફેફસા, ચામડી, જનરલ મેડિસિન, મનોચિકિત્સક સહિતના વિભાગમાં દર્દીઓને તપાસ કરી આપવામાં આવે છે.
