હિન્દ ન્યુઝ, જામનગર
જમીન, સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ અને GPKVNના સંયુક્ત ઉપક્રમે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેતી એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને પ્રાકૃતિક ખેતી એ આપણી પરંપરાગત ખેતી પદ્ધતિઓનો જ એક ભાગ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર એવો વિકલ્પ છે જે જમીનને ફરી જીવંત કરી શકે છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિ અપનાવીને ખેડૂતો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે અને વધુ સારી ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન કરી શકે છે. આ પ્રકારની ખેતીથી ઉત્પન્ન થયેલા ઉત્પાદનોની બજારમાં માંગ પણ વધુ હોય છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થાય છે.
રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરી રહી છે. ટેકાના ભાવે ખરીદી કરી સરકાર દ્વારા જણસના પૂરતા ભાવ મળી રહ્યા છે. આ ઉપરાંત, બાગાયત ખેતી, સિંચાઈ, વીજળી, ખાતર અને કૃષિ સાધન સહાય વગેરેમાં સબસીડી આપી સરકાર ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે.
આ પરિસંવાદમાં જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, અને કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાંઓ, જેમ કે જીવામૃત, ઘનજીવામૃત, અને બીજામૃતના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના સફળ અનુભવો પણ રજૂ કર્યા હતા, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બન્યા હતા.કાર્યક્રમના અંતમાં, કૃષિ મંત્રીએ તમામ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દેશને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું.
