હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાનાં યુવાનો અગ્નિવીર ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને તાલીમ આપવાં ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવશે.
તાલીમવર્ગમાં જોડાવાં ઈચ્છુક પુરૂષ ઉમેદવારો કે જેણે અગ્નિવીર ભરતી જાહેરાત-૨૦૨૫ અન્વયે ફોર્મ ભરેલ હોય તેમજ નિયત લાયકાત ધરાવતાં હશે તેવાં જ ઉમેદવારો અરજી કરી શકશે.
હાલમાં લેવાયેલ અગ્નિવીરની કોમ્પ્યુટર પરીક્ષા(CEE) પાસ કરનારને તાલીમ માટે અગ્રિમ પ્રાધાન્ય આપવામાં આવશે. વહેલા તે પહેલાનાં ધોરણે દિન-૧૫માં તમામ પ્રમાણપત્રો સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર કચેરી ખાતે ચાલુ દિવસો દરમિયાન રૂબરૂ આવી અરજી કરવાની રહેશે.
અગાઉ આ યોજના અન્વયે તાલીમ લીધેલ ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં. તેમ જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
