કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તા.૨૩ જુલાઈએ જામનગર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર

    સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.જે અન્વયે, જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩-૦૭-૨૦૨૫ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદારશ્રી(શહેર)ના મીટીંગ હોલમાં યોજવામાં આવશે. 

અરજદારોએ આગામી તા.૧૦-૦૭-૨૦૨૫ સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે. 

કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર- પુરાવા સાથે રજુઆત કરી શકશે.કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. તેમ મામલતદાર, જામનગર(શહેર)ની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment