પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ”ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

     પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પીએમશ્રી લાલપુર કન્યાશાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 

પ્રાસંગિક ઉદ્બોધન આપતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવએ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ માટે એક ઉત્સવ સમાન છે. શાળા ખુલ્યા બાદ ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીગણ તેમજ અધિકારીઓ ગામડે ગામડે જઈને શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શાળામાં સ્વાગત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટ આપે છે. શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે, શિક્ષણની ગુણવત્તા વધે, ૧૦૦% નામાંકન થાય તે હેતુથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારે આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે અનેક પગલાંઓ લીધા છે. સરકારી શાળાઓમાં ક્વોલિફાઇડ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. હવે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્કૂલ ઓફ એક્સલેન્સના પરિણામે શિક્ષણમાં સુધાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની આગેવાની હેઠળ શિક્ષણ નીતિમાં બદલાવ આવતા વિદ્યાર્થીઓમાં પણ નવા જ્ઞાનનું સિંચન થયું છે. દરેક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી આર્થિક સહાય થકી રાજ્યના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છે. સ્માર્ટ આંગણવાડીઓ તથા શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધાઓ થકી શિક્ષકોને પણ ફાયદો થઈ રહ્યો છે. 

પીએમ લાલપુર કન્યાશાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આંગણવાડીના 10, બાલવાટિકામાં 52, ધોરણ 1 માં 41, ધોરણ 9માં 162 અને ધોરણ 11માં 124 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે પ્રથમ પગથિયું માંડનાર વિદ્યાર્થીઓને મંત્રીશ્રી તથા મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. તથા ધોરણ ૯ અને ધોરણ 11ની વિદ્યાર્થીનીઓને પુસ્તકની કીટ તેમજ શાળામાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરેલ તથા સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસર વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. ઉપરાંત એપીએમસીના ચેરમેન કાનાભાઈ આંબલીયા, અગ્રણીઓ સમીરભાઈ ભેંસદડિયા, પ્રવીણસિંહ જાડેજા, રમેશભાઈ, જેસાભાઈ નંદાણીયા, ખીમજીભાઇ ધોળકિયા, કૌશિકભાઇ, રમેશભાઈ ગાગીયા, જયપાલસિંહ જાડેજા, સરપંચ જયેશભાઈ તેરૈયા, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, આગેવાનો, બીઆરસી અને સી.આર.સી કોર્ડીનેટર, અધિકારીઓ, આચાર્ય, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment