કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ધ્રોલ વાડી શાળા અને ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ 

હિન્દ ન્યુઝ, જામનગર 

     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ વાડી શાળાનં.1 તથા ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી.

આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના તથા નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવી યોજનાઓ થકી તેજસ્વી વિદ્યાર્થીઓને તથા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય તેમજ વિનામૂલ્યે શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં શાળાઓમાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓમાં વર્ષ 2023-24માં ધોરણ એક થી પાંચમાં ડ્રોપાઉટ દર 1.07 ટકા અને ધોરણ 1થી 8માં 2.42 ટકા જેટલો નીચો આવ્યો છે. સરકાર દ્વારા તાજેતરમાં જ AI ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનો ડ્રોપાઉટ થવાની શક્યતાઓના કિસ્સામાં તેવા બાળકો અને તેમના વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે તથા તેને સમજણ આપવામાં આવે છે જેના થકી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા આવશે. સરકાર દ્વારા શિક્ષકોની પારદર્શી ભરતી પ્રક્રિયા, મેરીટ આધારિત ભરતી, બદલીના સરળ નિયમો વગેરેના કારણે શિક્ષકોમાં પણ ખૂબ જ ઉત્સાહ વધ્યો છે, જેની સીધી હકારાત્મક અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર જોવા મળી રહી છે.

ધ્રોલ વાડી શાળા નં.1 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના 6 બાળકો, બાલવાટિકાના 8 અને ધો.1ના 11 બાળકોને તથા ધ્રોલ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના 3, બાલવાટિકાના 38 અને ધો.1 ના 50 બાળકોને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપીને આવકાર્યા હતા. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સમ્માન કરવામાં આવ્યું હતું. મંત્રીએ ખારવા ખાતે આવેલ શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં ઉપસ્થિત રહી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોનો ઉત્સાહ વધારી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમોના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમોમાં એપીએમસીના ચેરમેન તુષારભાઈ ભાલોડિયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ ગોસાઇ, નગરપાલિકાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ દલસાણીયા, અગ્રણીઓ પ્રદીપસિંહ જાડેજા, હિરેનભાઈ કોટેચા, વિનોદભાઈ વાઘેલા, રસિકભાઈ ભંડેરી, ગોવિંદભાઈ ચૌહાણ, હિતેશભાઈ ચનિયારા, ગોવિંદભાઈ દલસાણીયા, કોર્પોરેટરો લક્ષ્મણભાઈ નકુમ, સંજયસિંહ જાડેજા, વલ્લભભાઈ પરમાર, ફિરોઝભાઈ, સી.આર.સી અને બી.આર.સી કોર્ડીનેટર, અગ્રણીઓ, અધિકારીઓ, શાળાના આચાર્યો અને શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.                

Related posts

Leave a Comment