સ્વસ્થ જીવનશૈલી માટે પ્રાકૃતિક કૃષિ પેદાશો અપનાવો

હિન્દ ન્યુઝ, જામનગર

       આજના ઝડપી યુગમાં સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે, અને આ સ્વાસ્થ્ય જાળવવા માટે રસાયણમુક્ત આહારનું મહત્વ અનિવાર્ય છે. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત જામનગરના નાગરિકોને ઉત્તમ, પોષણયુક્ત અને વ્યાજબી ભાવે પ્રાકૃતિક અનાજ, શાકભાજી, ફળફળાદી અને અન્ય ઉત્પાદનો મળી રહે તે માટે વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે.

રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિના ઉગાડવામાં આવતા પ્રાકૃતિક ઉત્પાદનોમાં વિટામિન્સ, ખનીજો અને એન્ટીઑકિસડન્ટનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા શરીરને વધુ સારી રીતે પોષણ આપે છે. આ ઉત્પાદનોનો સ્વાદ પણ કુદરતી અને ઉત્તમ હોય છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની પ્રાકૃતિક પેદાશોનું યોગ્ય વળતર મળે અને ગ્રાહકોને શુદ્ધ અને તંદુરસ્ત આહાર પ્રાપ્ત થાય તે છે.

સરકારના ATMA પ્રોજેક્ટ હેઠળ, જામનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત તાજી અને ઉત્તમ ગુણવત્તાવાળી પેદાશો સીધી જ શહેરના લોકોને મળી રહે તે માટે વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક, BSNL કચેરી પાસે દર શનિવારે સવારે ૮ વાગ્યાથી બપોર સુધી તેમજ જોગર્સ પાર્ક ખાતે દર બુધવારે સવારે ૮ વાગ્યાથી બપોર સુધી આ પ્રાકૃતિક ઉત્પાદનોની ખરીદી કરી શકાશે.

જામનગર શહેરની જનતાને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા સરકારના આ સ્વાસ્થ્યલક્ષી અભિયાનનો લાભ લઈ, પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરીને પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા અનુરોધ કરાયો છે.

 

Related posts

Leave a Comment