12 જૂન-વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ
હિન્દ ન્યુઝ, જામનગર
બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે.ભારત સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે.ભારતીય બંધારણની કલમ – ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત ગુજરાતમાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે મદદનિશ શ્રમ આયુક્તની કચેરી જામનગર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૮૨ જેટલી રેડ પાડીને ૩૧ બાળકોને મુક્ત કરાવીને મજૂરીએ રાખનાર આવા ૧૮ જેટલા એકમો વિરૂદ્ધ એફ.આઈ.આર તથા કોર્ટ કેસ સહિતના કાયદાકીય પગલા ભર્યા છે.
બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તા. ૧૨ જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.સરકારે વર્ષ ૧૯૮૬માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો.ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ‘બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ’ કરવામાં આવ્યું છે.
બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ ૬ માસથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. ૨૦ હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે દોષિતો આ જ પ્રકારનો ગુનો બીજીવાર કરે તો તેવા સંજોગોમાં ૧ વર્ષથી લઈને ૩ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.
મુક્ત કરાયેલાં બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. મુક્ત કરાયેલાં તમામ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ અપાવે છે. મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.
વિશ્વભરમાં ૧૨ જૂન ના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ઉજવવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય યુવાન કામદારોની સલામતી, આરોગ્યમાં સુધારો કરવાનો અને તમામ પ્રકારની બાળ મજૂરીનો વહેલામાં વહેલી તકે અંત લાવવાનો છે.
