વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ સેવાકાર્ય બદલ ગઢડાના શિક્ષકને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ 

હિન્દ ન્યુઝ, બોટાદ 

             બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાની શ્રી બ્રાંચ શાળા નં-૬ના મદદનીશ શિક્ષક વિનોદભાઈ આર. શિયાળને ગુજરાત રાજ્યનાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોષી તેમજ બી. જે. પાઠક (નિવૃત્ત IFS–ગાંધીનગર)ના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” આપી સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરનાં અન્ય ૧૪ રાજ્યનાં કુલ ૧૨૦ જેટલાં શિક્ષકો તેમજ પર્યાવરણ પ્રેમીઓને રાષ્ટ્રીય કક્ષાએ “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” એનાયત કરવામાં આવ્યો છે. જે બદલ વિનોદભાઈને બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. 

             શિક્ષક રાષ્ટ્રનો સાચો ઘડવૈયો છે. શિલ્પકાર જેમ આકાર વગરનાં પથ્થરમાંથી પોતાની આગવી કલાથી મૂર્તિ સ્વરૂપે કલાત્મક છાપ ઉપસાવે તેમ શિક્ષક પણ વર્ગખંડમાં દેશનાં ભાવિ નાગરિકોનું ઘડતર કરે છે. એવી પવિત્ર ભાવના સાથે છેલ્લાં 24 વર્ષથી શિક્ષણકાર્ય કરતાં શ્રી વિનોદભાઈ આર. શિયાળ પોતે આજીવન વિદ્યાર્થી રહેલાં સર્વાંગી શિક્ષકની સાથે સમાજસેવક અને પર્યાવરણ પ્રેમી પણ છે.

             વિનોદભાઈએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. તેમાં આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, આપણે પીએ છીએ તે પાણી, આપણે જે જમીનમાં રહીએ છીએ, અને આપણી સાથે સહઅસ્તિત્વ ધરાવતાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનો સમાવેશ કરે છે. આપણું પર્યાવરણ માત્ર આપણાં અસ્તિત્વ માટે જ નિર્ણાયક નથી પરંતુ આપણાં જીવનની ગુણવત્તાને આકાર આપવામાં પણ મૂળભૂત ભૂમિકા ભજવે છે. તેથી, આપણે આપણાં પર્યાવરણનાં મહત્વને સમજીએ અને તેની કદર કરીએ અને તેની સુરક્ષા અને જાળવણી માટે જરૂરી પગલાં લઈએ તે આવશ્યક છે.”

           પર્યાવરણ બચાવો અભિયાન, ચકલી બચાવો અભિયાન, બાળકનાં જન્મદિને એક વૃક્ષ માતાને નામ, પ્લાસ્ટિક મુકત ભારત વગેરે જેવી અનેક કામગીરી કરીને તે ઓ બાળકોને પ્રેરણા આપી રહ્યાં છે. શિક્ષક વિનોદભાઈ સુંદર શિક્ષણકાર્ય સાથે સાથે પર્યાવરણપ્રેમી અને સમાજસેવા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગીતા ધરાવતાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે દિપક બની બોટાદ વિસ્તારમાં પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરી રહ્યાં છે.

 

Related posts

Leave a Comment