જામનગરની ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલ દ્વારા ‘મેદસ્વિતા મુક્ત અભિયાન’ હેઠળ દર્દીઓનું સ્ક્રીનિંગ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ઓબેસિટી મુક્તિ’ અભિયાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ‘સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ ઝુંબેશના ભાગરૂપે, જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ પણ આ પહેલમાં સક્રિય રીતે જોડાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના અને તબીબી અધિક્ષકશ્રી ડો.તિવારીના માર્ગદર્શન હેઠળ, હોસ્પિટલના એન.સી.ડી. ક્લિનિક ખાતે દર્દીઓના વજન, ઊંચાઈ અને બોડી માસ ઇન્ડેક્સ (BMI)ની તપાસ કરીને તેમને મેદસ્વિતા સંબંધિત જોખમો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં કુલ ૧૬૮ દર્દીઓના વજન, ઊંચાઈ અને BMIની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કુલ દર્દીઓ પૈકી ૭૬ દર્દીઓનો BMI અંક ૨૫ થી વધારે આવેલ છે, જે તેમને ઓવરવેઇટની શ્રેણીમાં મૂકે છે. આવા દર્દીઓને પૌષ્ટિક આહાર અને નિયમિત વ્યાયામ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી છે.જ્યારે ૨૯ દર્દીઓનો BMI અંક ૩૦ થી પણ વધારે આવેલ છે, જેમાં તેમને મેદસ્વી ગણાવી શકાય. આ તમામ દર્દીઓને વજન નિયંત્રણ માટેની વિશેષ સલાહ આપવામાં આવેલ છે.

હોસ્પિટલ દ્વારા મેદસ્વીતા સાથે સંકળાયેલા બિન-ચેપી રોગો જેવા કે હાઈપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્ટ્રોક જેવા ગંભીર રોગોને અટકાવી શકાય તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને મેદસ્વીતાના કારણે થતા રોગોથી બચાવવાનો છે.

આરોગ્ય વિભાગ દ્વારા જામનગરના નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને નિયમિતપણે આરોગ્ય તપાસ કરાવવા અપીલ કરવામાં આવી છે, જેથી તંદુરસ્ત અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્માણમાં સૌ સહભાગી બની શકે.

Related posts

Leave a Comment