હિન્દ ન્યુઝ, આણંદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો; વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને કિટનું વિતરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો તેમજ વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને કીટનું વિતરણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.12 જૂન, 2025 સુધી ચાલનાર દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ ખેતી અપનાવવા અંગેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવશે. કૃષિ ઉત્પાદન વધવાથી લઈને વેલ્યુ એડિસન, નેચરલ ફાર્મિંગ, આધુનિક પાક પદ્ધતિ, ટેક્નોલોજીનો ઉપયોગ સહિતના અનેક સંકલિત અને એકીકૃત પ્રયાસોથી કૃષિ ક્રાંતિ માટે દિશાદર્શક બનનાર આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 2951 જેટલા સ્થળોએ 3.50 લાખથી વધુ ધરતીપુત્રો સાથે સીધા સંવાદ દ્વારા આ અભિયાનનો લાભ પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષિ ક્ષત્રે આવેલ પરિવર્તનની રૂપરેખા આપી, આ અભિયાનને અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ ગણાવ્યું હતું. સાથે જ તેમણે વિકસિત ભારત @ 2047 માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
