ધો.૧૦ અને ધો.૧૨માં પ્રથમ ત્રણ ક્રમે ઉતીર્ણ થયેલા સફાઇ કામદારોના બાળકોને ઇનામ તથા પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર 

   ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં વર્ષ ૨૦૨૫માં સમગ્ર રાજયના સફાઇ કામદારો અને સફાઇ કામદારના આશ્રિત બાળકોમાં ઉતીર્ણ થયેલાં બાળકોને ઇનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ નીચે દર્શાવ્યા મુજબ ઇનામની રકમ અને પ્રશસ્તિ પત્ર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે.

ધોરણ – ૧૦ માં ઉત્તિર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૪૧૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૨૧૦૦૦, ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧૦૦૦ તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૩૧૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૨૧૦૦૦, ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૧૦૦૦ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. 

આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઇ ધોરણ રાખવામાં આવેલ નથી. આ યોજનાનો લાભ લેવા માટે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૫ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે. માર્ચ /એપ્રિલ -૨૦૨૫માં લેવામાં આવેલ એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકશે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં.૧૧/૧૨ વિકટોરીયા પુલ પાસે, જામનગરનો સંપર્ક કરવા તેમજ આ યોજનાનો લાભ લેવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણના જિલ્લા મેનેજરશ્રી જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment