હિન્દ ન્યુઝ, બોટાદ
મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત ધ્રુફણીયા ગામે સામૂહિક રોજગારી કામના સ્થળ ઉપર બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને તાલુકા પંચાયત નરેગા શાખાના સયુંકત ઉપક્રમે નરેગા શ્રમિકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ હાલમાં ચાલતા કામો ઉપર કામની જગ્યા પર શ્રમિકો માટે તબીબી સહાય, પીવાનું સ્વચ્છ પાણી અને છાંયડા માટે શેડની વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગઢડા તાલુકાના ધ્રુફણીયા ગામે સામૂહિક રોજગારી કામના સ્થળ ઉપર જિલ્લા પંચાયત બોટાદના સભ્યશ્રીના પ્રતિનિધિ પ્રભાતભાઈ યાદવ અને તાલુકા પંચાયત પ્રતિનિધિ દ્વારા ધ્રુફણીયા ગામે ચાલુ કામના સ્થળ મુલાકાત કરી નરેગા અંતર્ગત ચાલતા સામૂહિક કામો અંગે શ્રમિકો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ શ્રમિકોના આરોગ્યની તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. ધ્રુફણીયા ગ્રામ પંચાયત સભ્યો અને ગામના આગેવાન શિવકુંભાઈ દ્વારા તમામ શ્રમિકોને વરિયાળી સરબત પીવડાવવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ગરમી સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે અંગે માહિતી સાથે ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી ભરતસિંહ ગોહિલ દ્વારા નરેગા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી, અને હાલમાં સરકારશ્રીના અતિ મહત્વના જળ સંચય અભિયાનમાં દરેક ગ્રામજનો જોડાય અને મહાત્મા ગાંધી નરેગાના વ્યકિતગત લાભાર્થીને મળતા લાભ દ્વારા જળ સંચય જન ભાગીદારી કેમ્પેઇન ” કેચ ઘ રેઇન ” અંતર્ગત મનરેગા લાભાર્થીઓ મેજીક રીચાર્જ પીટ બનાવી ‘વરસાદ જ્યાં, જ્યારે થાય ત્યાં એનો સંચય કરો’ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
