હિન્દ ન્યુઝ, રાજકોટ
રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ સર્ગભા બહેનોને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, નૂરબીબી, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાંટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતાં ઝાડા જેવા ૧૧ રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવે છે. આ રોગ પ્રતિરોધક રસીઓ ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી, બાળકો અને સગર્ભાઓનું સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશિષ્ટ “ખિલખિલાટ રસીકરણ અભિયાન” હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તા. ૧૫ તથા ૧૬ માર્ચે બે દિવસમાં ઓરી- નૂરબીબી (મિસલ્સ-રુબેલા)ની રસીથી વંચિત રહી ગયેલા ૯ માસથી પાંચ વર્ષ સુધીના બાળકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. રસીકરણ માટે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જે મુજબ ૯-માસના ૨૩૦ બાળકોને ઓરી- નૂરબીબીની રસીનો પહેલો ડોઝ અને ૧૬ થી ૨૪ માસ સુધીના ૨૨૮ બાળકોને રસીનો બીજો ડોઝ બાકી હોવાનું સર્વેક્ષણ થતા આ તમામનું ૧૦૧ સેશન દ્વારા રસીકરણ કરવામાં આવશે.
