હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં યોજાયો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા વાર્ષિકોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાર્ષિકોત્સવમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યાં હતાં. આ ઉપરાંત ‘સ્ત્રી સશક્તિકરણ’, ‘વિવિધતામાં એકતા’, ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘પર્યાવરણનું રક્ષણ’ જેવી થીમ પર અનેકવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કચ્છી ગરબો, દુહા, છંદ, ચોપાઈની રમઝટ બોલાવવામાં આવી હતી અને લગ્ન ગીત તેમજ રાજસ્થાની નૃત્ય રજૂ કરાયાં હતાં.
કલેક્ટરએ પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, કોલેજકાળ વિદ્યાર્થીઓનો સુવર્ણકાળ હોય છે. આ કોલેજકાળને માણવાની સાથે જ જીવનનો એક નિશ્ચિત ધ્યેય નક્કી કરવો પણ અગત્યનો છે. દિર્ઘદ્રષ્ટી સાથે કરિયર બનાવવાની અમૂલ્ય તક કોલેજકાળમાં જ મળે છે. આ માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. આ સાથે જ કલેક્ટરએ વિદ્યાર્થીઓને આત્મબળ મજબૂત બનાવી પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિને ઓળખી જીવનમાં આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી હતી.
વાર્ષિકોત્સવના અંતે નિબંધ સ્પર્ધા, વાર્તાલેખન, વકતૃત્વ સ્પર્ધા, સૂર્યનમસ્કાર, યોગાસન, ડિબેટ, ચેસ, બેડમિન્ટન વગેરે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને કલેક્ટર અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઈનામ અને ટ્રોફીથી સન્માનિત કરાયાં હતાં.
આચાર્ય સ્મિતાબહેન છગના માર્ગદર્શનમાં યોજાયેલા વાર્ષિકોત્સવમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, સંસ્કૃત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.લલીતભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશભાઈ મકવાણા, સેવન્થ નેવલ યુનિટ કમાન્ડિંગ ઓફિસર અક્ષય ઠક્કર, ઈન્ડિયન રેયોનના પ્રતિનિધિઓ શ્રદ્ધા મહેતા અને ક્રિષ્ના ગનેરીવાલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.