૨૯મી આંતર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ વાદ-વિવાદ સ્પર્ધામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) શ્રેષ્ઠ ટીમ રોલિંગ તરીકે વિજેતા

હિન્દ ન્યુઝ, સુરત

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ ફરી એકવાર ૨૯મી આંતર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ વાદ-વિવાદ સ્પર્ધામાં શ્રેષ્ઠ ટીમ રોલિંગ ટ્રોફી જીતી છે. જેનું આયોજન રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના નેતૃત્વમાં સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા નવી દિલ્હીના લોધી રોડ સ્થિત અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે કરવામાં આવ્યું હતું. CISF દ્વારા આ પ્રતિષ્ઠિત ટ્રોફી 10મી વાર પોતાના નામે કરી છે. જે CISFના સતત શ્રેષ્ઠ પ્રદર્શન અને બૌદ્ધિક ક્ષમતાનો પરિચય અપાવે છે. દર વર્ષે યોજાતી આ સ્પર્ધા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના સભ્યો માટે માનવાધિકાર સંબંધિત મુદ્દાઓ પર પોતાના જ્ઞાન અને સમજણ પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ રૂપે કાર્ય કરે છે.

ઉપનિરીક્ષક રાહુલ કુમાર અને સહાયક કમાન્ડન્ટ કાન્હા જોશીએ હિન્દી ભાષા શ્રેણીમાં ક્રમશઃ બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે સહાયક કમાન્ડન્ટ અક્ષય બડોલા અને ભાસ્કર ચૌધરીએ અંગ્રેજી ભાષા શ્રેણીમાં ક્રમશઃ બીજું અને ત્રીજું સ્થાન હાંસલ કર્યું. CISF ટીમની જીત તેમના ઉત્તમ વક્તૃત્વ કુશળતા, ઊંડા સંશોધન અને માનવાધિકાર વિષયોની ઊંડી સમજના કારણે શક્ય બની છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા અકાદમી (NISA)માં મળેલી તાલીમે પણ આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. NHRC વાદ-વિવાદ સ્પર્ધામાં પ્રતિષ્ઠિત નિર્ણયક મંડળનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય જજ તરીકે સુ જ્યોતિકા કલરા (NHRCની ભૂતપૂર્વ સભ્ય) અને જજ મંડળના અન્ય સભ્યોમાં પ્રોફેસર ડૉ. જી.એસ. બાજપેયી (NLU દિલ્હીના વાઈસ ચાન્સેલર) અને ડૉ. ઈશ કુમાર (IPS, ભૂતપૂર્વ મહાનિર્દેશક, સતર્કતા અને અમલ)નો સમાવેશ થયો હતો.

આ સ્પર્ધામાં તમામ આઠ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો – CRPF, BSF, CISF, ITBP, SSB, NSG, RPF અને આસામ રાઈફલ્સે ભાગ લીધો હતો. આ સ્પર્ધા ત્રણ તબક્કાઓમાં ગોઠવવામાં આવી હતી. જેના 1) માનવાધિકારો માટે ચિંતિત પોલીસ દળ વધુ અસરકારક બને છે. 2) સુરક્ષા દળ માનવાધિકારના સર્વોચ્ચ રક્ષક છે અને 3) હિરાસતમાં મોત દરેક સ્થિતિમાં અપ્રમાણભૂત છે. જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો. આ સિદ્ધિ માનવાધિકાર પ્રત્યે CISFના સમર્પણ, જાગૃતિના પ્રોત્સાહન અને દળના તમામ સ્તરે બૌદ્ધિક વિકાસને વધારવાના પ્રયત્નોને દર્શાવે છે. આ CISFના કર્મચારીઓની અપ્રતિમ પ્રતિભા અને સમર્પણને પણ ઉજાગર કરે છે, જે પોતાની વ્યાવસાયિક જવાબદારીઓની સાથે મહત્વપૂર્ણ સામાજિક મૂલ્યોના પ્રચારમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

Related posts

Leave a Comment