હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ શહેરમાં આયોજિત રાજ્યકક્ષાના યુવા ઉત્સવના હેન્ડીક્રાફટ પ્રદર્શનમાં સ્ટોલ ધરાવતા, આણંદ જિલ્લાના હઠીપુરા ગામની સરકારી માધ્યમિક શાળાના શિક્ષક ઉર્વીશાબેન શિયાળ કહે છે કે, હું વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સરકાર દ્વારા શાળાઓમાં આ પ્રોજેક્ટ અન્વયે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. જેમાં બ્યુટી એન્ડ વેલનેસ, એગ્રીકલ્ચર, ઈલેક્ટ્રોનિક્સ, ફૂડ પ્રોસેસિંગ, સ્પોર્ટ્સ, ટુરીઝમ, હેલ્થ કેર જેવા વિષયોનો સમાવેશ થાય છે. બાળકોને ફેશન ડિઝાઇનિંગ અને જવેલરી બનાવતા શીખવું છું. ન્યુઝપેપરનો ઉપયોગ કરીને જવેલરી, જીન્સમાંથી હેન્ડબેગ અને નકામા પ્લાસ્ટિકમાંથી પણ બેગ અને જવેલરી બનાવી છે. આમ, અમે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ વસ્તુઓ બનાવી છીએ. જેથી, વોકેશનલ એજ્યુકેશન થકી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શોખને રોજીરોટી મેળવવાનું સાધન બનાવી શકે અને પોતાની ઓળખ ઊભી કરી શકે છે. અહીં યુવા મહોત્સવના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને કલા નિખારવાનો મોકો મળી રહ્યો છે, જે બદલ સરકારનો આભાર માનું છું.