અમેરિકાની સંસ્થાએ વડોદરાના દંત ચિકિત્સક નું સન્માન 

હિન્દ ન્યુઝ, વડોદરા

    વડોદરા ના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા એ દાંત અને તેની સારવાર, દંત ચિકિત્સા ના વિકાસ અને યોગદાનીઓ અંગે વિશ્વના વિવિધ દેશોએ બહાર પાડેલી ટપાલ ટિકિટો વિશેષ મહેનતથી એકત્ર કરી છે.તેઓ એ ગુજરાત અને દેશ માટે અનોખું ગણાય એવું દંત ચિકિત્સા અને તેના ઇતિહાસ વિષયક સંગ્રહાલય બનાવ્યું છે અને દંત આરોગ્ય રક્ષાના પ્રચારની જાગૃતિ માટે શાળાઓ મોટી સંખ્યામાં બાળકોને આ મ્યુઝિયમ બતાવે છે.

ડો.ચંદારાણા ની જાહેર આરોગ્ય જાગૃતિની મથામણ ની અમેરિકા ના દંત ચિકિત્સકોની સંસ્થાએ નોંધ લીધી છે. તાજેતરમાં નવી દિલ્હીમાં અમેરિકન એકેડેમી ઓફ ઇમ્પ્લાંટ ડેન્ટ્રિસ્ટ્રી ની ૬ટથી વૈશ્વિક કોન્ફરન્સ મળી હતી.તેમાં ડો. યોગેશની દાંત ને લગતી ટપાલ ટિકિટો ના સંગ્રહ અને મ્યુઝિયમ માં તેના પ્રદર્શન દ્વારા પ્રજાને દાંત અને આરોગ્યની સુરક્ષાનો સંદેશ આપવા માટે નોંધ લેવામાં આવી હતી.

ડો.ચંદારાણા એ જણાવ્યું કે સંસ્થાએ તેમને આ કાર્યક્રમમાં દાંત વિષયક ટપાલ ટિકિટો ના પ્રદર્શન માટે આમંત્રિત કર્યા હતા.તેમનો આ સંગ્રહ એશિયા સ્તરે યુનિક ગણાય છે.

આ કાર્યક્રમમાં ઉપરોક્ત જહેમત માટે સંસ્થાએ તેમને વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ના હસ્તે અને ભારત સરકારના આરોગ્ય સચિવ સુ પુનીયા શ્રીવાસ્તવ ની ઉપસ્થિતિમાં તેમને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

ડો.યોગેશ ૧૯૭૫ થી દાંત વિષયક ટપાલ ટિકિટ અને પોસ્ટલ સામગ્રી એકત્ર કરી રહ્યા છે અને તેમના સંગ્રહમાં ૭૦૦ થી વધુ ટપાલ ટિકિટ અને પોસ્ટલ સામગ્રી છે.તેમના સંગ્રહની જૂનામાં જૂની ટપાલ ટિકિટ ૧૮૯૨ ની છે જે ન્યુઝીલેન્ડમાં જારી થઈ હતી.આ ઉપરાંત દંત વિષયક દુર્લભ ટેલીગ્રામ, આંતર દેશિય પત્રો છે જેના પર દાંતના તબીબો અને દંત ઉત્પાદનોની જાહેરાતો છે. તેમણે દાંત ઉપરાંત અન્ય દુર્લભ ટપાલ ટિકિટ ના સંગ્રહ માટે અગાઉ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ટપાલ સામગ્રી પ્રદર્શનોમાં ઇનામો મળી ચૂક્યા છે.તેઓ કહે છે કે ભારતમાં ૧૯૮૮ માં દંત વિષયક પહેલી અને એકમાત્ર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

Related posts

Leave a Comment