રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ભાવનગરના જિલ્લાના ટીમાણા પ્રાથમિક શાળાનો સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા- ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો.

ભાવનગર જિલ્લા પંચાયત સમિતિ સંચાલિત સ્વ. શેઠ ખોડીદાસ સંધાજી પ્રાથમિક શાળા- ટીમાણાના સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવી છે. જેનાથી આજે રાજ્યમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ધરતીને મુલાયમ બનાવે છે, જેનાથી પાકના મૂળ ઊંડા જાય છે. અળસિયા અને સૂક્ષ્મ જીવાણુ ધરતી પરના પાકના મૂળને મજબૂતીથી પકડી રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે, કુરુક્ષેત્ર ખાતે તેમના ખેતરમાં અતિવૃષ્ટિ થઈ પરંતુ એ પાણી માત્ર ૨૪ કલાકમાં જ ધરતીના ગર્ભમાં જતું રહ્યું હતું જ્યારે રાસાયણિક ખેતી કરતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં ભારત દેશમાં ધરતીનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫૦ હતું. પરંતુ રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી આજે ઓર્ગેનિક કાર્બન 0.5 થી પણ ઓછો છે. તેમણે ઉમેર્યું કે, ડૉ.સ્વામીનાથન અને ડૉ. મેનેએ હરિત ક્રાંતિ વખતે એક એકરમાં ૧૩ કિ.લો. યુરિયા, ડી.એ.પી નાખવાની ભલામણ કરી હતી. પરંતુ આજે એક એકરમાં ૧૩ બોરી નાંખવામાં આવે છે, પરિણામે ધરતી માતા બંજર બની રહી છે.

રાજ્યપાલ દેવવ્રતજીએ કહ્યું કે, આગામી ૫૦ વર્ષ સુધી આ પ્રકારે રાસાયણિક ખેતી કરવામાં આવશે તો આપણે આપણી નવી પેઢીને કંઈ જ આપી શકીશું નહીં. તેમણે ઉમેર્યું કે, ધરતી માતાની ફળદ્રુપતા વધારવામાં સૂક્ષ્મ જીવાણું અને અળસિયા મહત્વનો ભાગ ભજવે છે. આપણે સૌએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી કૃષિ અને ઋષિ પરંપરાને મહત્વ આપવું જોઈએ.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, દેશી ગાય માતાના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. તેમણે પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતી કરતા ખેતરની માટી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેતરની માટીનું લેબ પરીક્ષણ કરતાં તારણ મળ્યા છે કે, રાસાયણિક ખેતીના ખેતરમાં ૩૦ લાખ, ૬૦ હજાર સૂક્ષ્મ જીવાણું મળ્યા છે જ્યારે પ્રાકૃતિક ખેતીના ખેતરમાં ૧૬૧ કરોડ સૂક્ષ્મ જીવાણું મળ્યા છે. તેમણે જણાવ્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી ધરતીને ઉપજાઉ બનાવી રાષ્ટ્રને સમુદ્ર બનાવીએ. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં શિક્ષણના મહત્વ અંગે જણાવ્યું કે, શિક્ષણ થકી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આજથી ૧૫૨ વર્ષ પહેલાં ટીમાણા ગામનાં પૂર્વજોએ વાવેલું શાળારૂપી બીજ આજે વટવૃક્ષ બન્યું છે. રાજ્યપાલએ ઉપસ્થિત માતા-પિતાઓ ગામના વડીલોને અપીલ કરતાં જણાવ્યું કે, આપણા બાળકોને સારુ શિક્ષણ અને સારા સંસ્કાર આપી ચારિત્ર્યવાન અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ.

ટીમાણા ગામના કનુભાઈએ શાળાનો પરિચય આપતાં કહ્યું કે, છેલ્લા ૧૫૧ વર્ષમાં શાળાના વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કર્યું છે. આ શાળામા ૭,૭૧૩ જેટલાં વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. તેમણે શાળાનો પરિચય આપ્યો હતો.

આ અવસરે રાજ્યપાલએ ટીમાણા ગામના વતની અને ટીમાણા શાળાના ભૂતપૂર્વ આચાર્ય કેશવભાઈ ભટ્ટ લિખીત “ગોડી કાંઠે ગામ‌ ટીમાણા” પુસ્તકનું વિમોચન કર્યું હતું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ૧૫ દંપતિઓ, ૧૫૦ જેટલાં પ્રગતિશીલ ખેડૂતો અને ટીમાણા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષકોને સન્માનિત કર્યાં હતાં.

આ તકે પ.પૂ.સંત સીતારામ બાપુ, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, મહેન્દ્રભાઈ પનોત, સુરેશભાઈ ધાંધલીયા, જિલ્લા કલેકટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, પ્રફુલ્લભાઈ સેંજલીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment