હિન્દ ન્યુઝ, વલસાડ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજના ધનવંતરી જયંતી અને 9મા આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવવા માટે રું 12,850 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ દેશવાસીઓને આપી હતી.
વડાપ્રધાનએ આ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેરિલ એકેડેમીના તક્ષશિલા ઓડિટોરીયમ ખાતેથી માનનીય વડાપ્રધાનના દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.
માનનીય વડાપ્રધાનએ 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વય વંદના કાર્ડ આપીને વડીલોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો લાભ આપવાનો તેમજ સગર્ભા માતા અને 0 થી 16 વર્ષના બાળક માટેની વેક્સિન અંગે યુ-વિન પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તથા ઈ-વેક્સિન સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ મેરિલ પાર્કમાં વડાપ્રધાન દ્વારા ઉદઘાટન થયેલ મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી તેમજ સર્જિકલ રોબોટિક્સ, હાર્ટ, વાલ્વ, સ્ટેન્ટ અને કેન્સર રિસર્ચની કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે મેરિલ સ્ટુડીયોમાં મેડિકલ ડિવાઈસમાં બનતા દરેક પ્રકારના ઉપકરણો જેમ કે, ટ્રોમા ઈમ્પ્લાન્ટસ, ઓર્થોપેડિકલ ઈમ્પ્લાન્ટસ અને ભારતનું સૌપ્રથમ ની (ઘૂંટણ) રિપ્લેસમેન્ટ માટે રોબોટ (મીશો)ની રસપ્રદ માહિતી મેળવી હતી.