હિન્દ ન્યુઝ, રાજકોટ
ઇમર્જન્સીમાં મદદરૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સને સ્થળ પર પહોંચવા શહેરના મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર લાગતો વધારાનો સમય હવે દૂર થશે. રોડ સેફટી મિટિંગમાં આ અંગે ૧૦૮ ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ચેતન ગાધેએ ટ્રાફિક સિગ્નલ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ખુલી જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આ અંગે વિચાર રજુ કરતા ટ્રાફિક સિગ્નલ વિભાગના અધિકારીઓ દ્વારા ટેક્નિકલ સપોર્ટ અંગે ચકાસણી કરવા જણાવ્યું હતું.
સૌ પ્રથમ રૈયા ચોક તેમજ ત્રિકોણ બાગ ખાતે આ પ્રેક્ટિસ કરાશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સિગ્નલના ૫૦૦ મીટરના એરિયામાં પ્રવેશતા જ સિગ્નલ ગ્રીન થઈ જશે. જેના પરિણામે ૧૦૮ ને આગળનો ટ્રાફિક ક્લિયર કરવામાં સમય બચશે અને એમ્બ્યુલન્સ મુખ્ય ચાર રસ્તા પાસે પહોંચતા જ તેને પસાર થવા માટે રાહ નહીં જોવી પડે.
આ પ્રકારે વ્યવસ્થા ઉભી થતાં પીક અવર્સમાં એમ્બ્યુલન્સનો રિસ્પોન્સ ટાઈમ ૨ થી ૪ મિનિટ જેટલો ઘટી શકે. જેનો સીધો લાભ દર્દીને મળશે. આ પ્રકારે હાલ બરોડામાં આદર્શ રોડ પર આ પ્રકારે વ્યવસ્થા હોવાનું તેઓએ જણાવ્યું છે. સ્માર્ટ સિટીમાં ઈમરજન્સી સેવા માટે ઉપયોગી વાહનો માટે આ પ્રકારે વ્યવસ્થા ઉભી કરવા ખાસ ગાઈડલાઈન પણ હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિગ્નલ સાથે ૧૦૮ સહિતની જી.પી.એસ. ધરાવતી ઈમરજન્સી સેવાને નવું બળ મળશે.